ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં દીવડ્યાઆવન ગામે આંગણવાડી કાર્યકરની ભરતીમાં ગેરરીતિ થતા ગામની શિક્ષિત મહિલાએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરી ન્યાયની માંગણી કરી છે.
વઘઈ તાલુકાના દીવડ્યાઆવન ગામે શીલાબેન રામાભાઈ ચૌધરી વર્ષ-2013થી રહે છે. શીલાબેન ચૌધરીએ ચાલુ વર્ષમાં દીવડ્યાઆવન ગામનાં આંગણવાડી કાર્યકર માટે ઓનલાઈન ફોર્મ ભર્યું હતું અને મેરીટમાં બીજા ક્રમે આવ્યા હતા. જ્યારે તેમના હરીફ અને મેરીટમાં પ્રથમ ક્રમે આવેલી સુનંદાબેન પવારનાં લગ્ન રોહિત પવાર (રહે.દીવડ્યાઆવન, તા.વઘઇ, જિ.ડાંગ) સાથે 19મી ફેબ્રુઆરી 2022નાં રોજ થયા હતા. સુનંદા પવારનાં લગ્નને અઢી મહિનાનો સમયગાળો થયો હોવા છતાં તેણીએ નિયમ વિરુદ્ધ જઈ આંગણવાડીની ભરતીમાં ફોર્મ ભરી મેરીટનો પ્રથમ ક્રમ મેળવ્યો છે.
સુનંદાબેને ખોટી કંકોત્રી બનાવી તેમાં લગ્નની તારીખમાં પણ ફેરફાર કરી આ મેરીટ મેળવેલ છે. તેની કંકોત્રી પણ શીલાબેન ચૌધરીએ વાંધા અરજી સાથે ગુજારેલી છે. આમ કાયદેસરનાં નિયમ મુજબ કોઈપણ લાયક ઉમેદવાર ગામની વહુ તરીકે એક વર્ષ સુધીનો સમય થાય તે જ ઉમેદવાર આંગણવાડી કાર્યકરની ભરતીમાં ઉમેદવારી નોંધાવી શકે છે, તેમ છતાં સુનંદાબેને ખોટા દસ્તાવેજો ઉભા કરી આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી હાલમાં મેરીટમાં પ્રથમ ક્રમે આવી ગેરરીતિ કરી છે. આ બાબતે અરજદાર શીલાબેન ચૌધરીએ વાંધો ઉઠાવી જિલ્લા વિકાસ અધિકારી ડાંગને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.