હમ ભી કીસી સે કમ નહીં:ધો-12 સા.પ્ર.ના પરિણામમાં 95.41 % સાથે ડાંગ જિલ્લો રાજ્યમાં પ્રથમ, જો કે A-1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી નહીં

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઘઇ ખેતીવાડીના આચાર્ય બુધાભાઈ કુંવરે DEOને અિભનંદને પાઠવ્યા હતા. - Divya Bhaskar
વઘઇ ખેતીવાડીના આચાર્ય બુધાભાઈ કુંવરે DEOને અિભનંદને પાઠવ્યા હતા.
  • પરીક્ષામાં નોંધાયેલા 1376માંથી 1372 િવદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, A-2 ગ્રેડમાં 38 વિદ્યાર્થી, B-1મા 323, B-2મા 504, C-1મા 337, C-2મા 102 અને D ગ્રેડમાં 5

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે એચ.એસ.સી બોર્ડ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા જેટલુ પરિણામ જાહેર કરાયું છે. સમગ્ર રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનાં પરિણામમાં રાજયનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લો 95.41 ટકા સાથે મોખરે રહ્યો છે.

છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આદિવાસી વિદ્યાર્થીઓએ હમ ભી કિસી સે કમ નહી નું સૂત્ર સાર્થક કરી જ્વલંત પરિણામ દાખવ્યું છે. ડાંગ જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહની નોંધાયેલા 1376માંથી 1372 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1309 વિદ્યાર્થી પાસ થતા જિલ્લાનું સૌથી વધુ 95.4 ટકા પરિણામ જાહેર થયું હતું. જોક A-1 ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી આવ્યો ન હતો. A-2 ગ્રેડમાં 38 વિદ્યાર્થી, B-1મા 323, B-2મા 504, C-1મા 337, C-2મા 102 અને D ગ્રેડમાં 5 વિદ્યાર્થીનો સમાવેશ થયો છે. આહવા, સુબીર, વઘઇ અને સાપુતારા એમ ચાર કેન્દ્ર ઉપર ધોરણ-12 સા.પ્ર.ની પરીક્ષા લેવાઇ હતી.

જેમા સુબીર કેન્દ્રનું 100 ટકા, આહવા કેન્દ્રનું 90.09 ટકા, સાપુતારા કેન્દ્રનું 95.52 ટકા અને વઘઇ કેન્દ્રનું 95.41 ટકા પરિણામ નોંઘાયુ હતું. ડાંગની 26 શાળામાંથી 14 શાળાનું પરિણામ 100 ટકા નોંઘાયું છે. આ સિદ્ધિ બદલ ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા અને જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપીન ગર્ગ સહિત પદાધિકારીઓએ ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી એમ.સી.ભુસારા સહિત ઈ.આઈ વિજયભાઈ દેશમુખ સહિત આચાર્યો તથા શિક્ષકગણ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા.

ડાંગ જિલ્લાની 100 ટકા લાવનાર શાળાઓ
જનતા હાઈસ્કૂલ શામગહાન, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પીપલદહાડ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બોરખલ, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચીકાર, નવજ્યોત હાઇસ્કૂલ સુબીર, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ આહવા, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા સુબીર, અંધજન માધ્યમિક શાળા શિવારીમાળ, નવચેતન હાઇસ્કૂલ ઝાવડા, ઉચ્ચતર બુનિયાદી આશ્રમ શાળા સિંગાણા, માધ્યમિક શાળા રંભાસ, ગુરુકુળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભદરપાડા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા મહાલ અને કન્યા સાક્ષરતા નિવાસી શાળા સાપુતારાનો સમાવેશ થાય છે.

વર્ષ-2018 બાદ 2022માં પ્રથમ ક્રમે આવ્યો
ડાંગ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાનાં માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાનાં તમામ આચાર્યો, શિક્ષકો શાળા શરૂ થાય તે પહેલા અને શાળા પુરી થાય પછી ઝીરો તાસનાં વર્ગો લઈ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હતા. જિલ્લાનાં વિદ્યાર્થીઓની એકમ ટેસ્ટ, યુનિટ ટેસ્ટ સહિતની પરીક્ષામાં પૂરી કાળજી લેવાઇ હતી. વિદ્યાર્થીઓ ટ્યૂશન વગર મહેનતથી જ્વલંત પરિણામ લાવ્યા છે. ડાંગ જિલ્લો ધો-12 સા.પ્ર.નાં પરિણામમાં વર્ષ-2018માં પણ રાજ્યમાં પ્રથમ આવ્યો હતો અને હાલમાં વર્ષ 2022માં પણ પ્રથમ ક્રમે આવતા DEOની ટીમ સહિત આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી છે. >મણીલાલ ભૂસારા, શિક્ષણાધિકારી, ડાંગ જિલ્લો

ડાંગ જિલ્લામાં સૌથી વધુ ટકાવારી લાવનાર વિદ્યાર્થીઓ
ૠતુભંરા કન્યા વિદ્યા. સાપુતારાની બાગુલ દિવ્યાબેન દિનેશભાઇ-85 %, સાંદિપની શાળા સાપુતારાના રોહિત આર. ભોયે 84.57%, ઝાવડા નવચેતન હાઈસ્કૂલની વર્ષાબેન 84.29 %, રંભાસ મા. શાળાની લક્ષ્મી ઠાકરે 84 %, મહાલ મા. અને ઉ.મા. શાળાની દક્ષા શિંદે 83.43 %, સાપુતારા ઋતુંભરા કન્યા વિદ્યામંદિરની વૈશાલી રાઠોડ 83.43 %, સાપુતારા કન્યા સાક્ષરતા નિવાસી શાળાની સોનલ ભોયે 83.14 %, સિંગાણા ઉચ્ચતર બુનિયાદી શાળાનો ચિંતુ ચૌધરી 82.86 %, આહવા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલની સોનલ બાગુલ 82.43 %, આહવા એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો અર્ચિત પટેલ 82.43 % નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...