વિવાદ:ડાંગ જિલ્લાના ધારાસભ્યને સુપ્રસિદ્ધ શબરીધામ ટ્રસ્ટે સભ્યપદમાંથી મુક્ત કર્યાનો ઠરાવ કરતા વિવાદનો વંટોળ

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શબરીધામના સિદ્ધાંતથી વિપરીત વર્તન કર્યું હોવાના આક્ષેપ સાથેનો ફરતો ઠરાવ કરતાં અનેક તર્ક વિતર્ક

ડાંગ જિલ્લાનાં સુપ્રસિદ્ધ શબરીધામ ટ્રસ્ટ દ્વારા ધારાસભ્ય વિજયભાઈ પટેલને ટ્રસ્ટનાં સભ્યપદમાંથી મુક્ત કર્યા અંગેનો ફરતો ઠરાવ પસાર કરતા વિવાદનો વંટોળ ઉભો થયો છે.રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં સુપ્રસિદ્ધ શબરીધામ મંદિર આવેલું છે. ભગવાન શ્રીરામે અહી પાવન પગલા પાડ્યા હતા અને ભીલડી માતા શબરીનાં ચાખેલા એઠાં બોર ખાધા હતા. આ પાવનભૂમિમાં રોજેરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટતા હોય છે. આ શબરીધામનાં મંદિર સહિત પાવન ભૂમિનું સંચાલન સ્વામી અસીમાંનદનાં નેતૃત્વમાં શ્રી શબરીમાતા સેવા સમિતિ દ્વારા કરવામાં આવે છે.

બુધવારે શ્રી શબરીમાતા સેવા સમિતિ દ્વારા ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ માટે ફરતો ઠરાવ પસાર કરતા સમગ્ર ડાંગ જિલ્લામાં સોંપો પડી ગયો છે. શ્રી શબરીમાતા સેવા સમિતિનાં ટ્રસ્ટી સ્વામી અસીમાંનદ દ્વારા ટ્રસ્ટનાં લેટરપેડ ઉપર ડાંગના ધારાસભ્ય વિજયભાઈ રમેશભાઇ પટેલને શબરીધામનાં સિદ્ધાંતથી વિપરીત વર્તન કર્યું હોવાથી તેઓને શ્રી શબરીમાતા સેવા સમિતિ દ્વારા સેવા સમિતિનાં સભ્યપદેથી મુક્ત કરવામાં આવે છે એવો ફરતો ઠરાવ કરતા આવનાર દિવસોમાં વિવાદનો વંટોળ ઉભો થવાની શકયતા ઉભી થઈ છે.

અત્રે નોંધનીય છે કે અગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે હિન્દુત્વનાં મુદા સાથે અડીખમ રહેનાર સ્વામી અસીમાંનદે અચાનક જ ધારાસભ્ય વિજયભાઈ પટેલ સાથે છેડો ફાડી સમિતિનાં સભ્યપદેથી પણ મુક્ત કરી દેતા જિલ્લામાં તરેહ તરેહની ચર્ચા ચકડોળે ચડી છે.

કઈ બાબતે આ નિર્ણય લીધો છે તેની મને જાણ નથી
હું સુપ્રસિદ્ધ શબરીધામ સુબીરના શ્રી શબરીમાતા સેવા સમિતિમાં વર્ષોથી સભ્ય તરીકે કામગીરી કરતો આવ્યો છું. હું શબરીધામનાં વિકાસ માટે હંમેશા તત્પર રહું છું. સુપ્રસિદ્ધ શબરીધામ હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર અને પાવનધામ હોય મેં આજદિન સુધીમાં શબરીધામનાં સિદ્ધાંતથી વિપરીત ટ્રસ્ટી કે હોદ્દેદારો સાથે કોઈ ખરાબ વર્તન કર્યું નથી. વધુમાં શબરીધામનાં કેમ્પમાં પણ કોઈ ખરાબ કામ કે વર્તન કર્યું નથી. શ્રી શબરી સેવા સમિતિ દ્વારા કઈ બાબતે આ નિર્ણય લીધો છે તેની મને જાણ કરી નથી. - વિજયભાઇ પટેલ, ડાંગ ધારાસભ્ય,

અન્ય સમાચારો પણ છે...