તપાસ:ડાંગનાં 6 યુવાનને માર મારનાર અમદાવાદના 3 સામે ફરિયાદ

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાઉદ ગેંગના સભ્યો કહી માર મારી અપમાનીત કર્યા હતા

ડાંગ જિલ્લાનાં છ યુવાનોને ઢોરમાર મારનાર સામે વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિત ડાંગના અગ્રણીઓએ ગૃહ રાજયમંત્રીને આવેદનપત્ર પાઠવી કડક પગલા ભરવાની માંગ કરી હતી. આખરે અમદાવાદના ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ટાંકલીપાડા અને ઉમરપાડાનાં રંજીત જાદવ (મુકાદમ), મોહન ચૌહાણ, ગણેશ ભોયે, શૈલેષ વાઘમારે, હરેશ બરડે, રાહુલ પવાર, કલ્પેશ ગાયકવાડ અને રોહિત પવાર કચ્છ જિલ્લામાં દાડમની વાડીમાં મજૂરીકામ અર્થે ગયા હતા.

જ્યાંથી 7મી જુલાઈએ પરત ડાંગ આવી રહ્યાં હતા. દરમિયાન તેઓ અમદાવાદનાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ડાંગની બસ માટે રાત્રે રાહ જોઈ રહ્યાં હતા. જ્યાં હાજર એક પોલીસ કર્મચારી અને બે સિક્યુરિટી ગાર્ડે તેમની બેગ ચેક કરતા તેમાંથી તેઓ દાડમ કાપવા માટે લઈ ગયેલી કાતર નીકળી હતી. જેથી આ યુવાનોને હાજર કર્મીઓ દ્વારા તમે દાઉદ ગેંગના સભ્યો છો તેવા આરોપો મૂકી નજીકની ચોકીમાં લઈ જઈ કપડાં કાઢી ઢોરમાર માર્યો હતો. આ સાથે તેમના અન્ય મિત્રોને પણ આ વિડીયો કોલ કરી બતાવી કહેતા હતા કે જો અમે દાઉદ ગેંગના સભ્યોને કેવા માર પાડીએ છીએ.

પોલીસ કર્મીઓએ આ યુવાનોનાં મોબાઈલ જપ્ત કરી લીધા હતા તથા ગાળો આપી હતી અને આ બાબતે કોઈને કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ યુવાનો વતન પરત ફર્યા બાદ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી અને તે દરમિયાન પોલીસે તેમની નોંધ લેતા મામલો અમદાવાદ પહોંચ્યો હતો બાદમાં આ બાબતની જાણ ધારાસભ્ય અનંત પટેલને થતાં તેમણે પણ ડાંગના અગ્રણીઓ સાથે મળી આ કેસમાં ગૃહમંત્રીને પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. અને જો નહીં થાય તો આદિવાસી સમાજ આંદોલન કરશે. તેવી ચીમકી આપતા આખરે અમદાવાદના પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાવી હોવાની માિહતી સાંપડી છે.

અન્ય સમાચારો પણ છે...