ડાંગ જિલ્લાના પીપલ્યામાળ ગામે માસી સાથે ચેકડેમમાં કપડા ધોવા ગયેલા બાળકનું પાણીમાં ડૂબી જતા મૃત્યુ થયું છે. બાળક મામાને ત્યાં રહેવા ગયો હતો. ત્યાં આ દુ:ખદ ઘટના ઘટતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ડાંગ જિલ્લાના સોડમાળ ગામના રહેવાસી રાજેશભાઈ ગામીતનો એકનો એક પુત્ર આયુષ (ઉ.વ. 9) ગત 15મી મેના રોજ તેના મામાના ઘરે પીપલ્યામાળ ગયો હતો. જ્યાં તેની માસી સાથે નજીકમાં આવેલા ચેકડેમમાં કપડાં ધોવા માટે ગયો હતો. તે દરમિયાન સાંજે 5 વાગ્યની આસપાસ અચાનક જ આયુષે પોતાના પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તે સીધો ચેકડેમ પરથી ઊંડા પાણીમાં પડી ગયો હતો.
અચાનક બનેલી આ ઘટનાથી ત્યાં હાજર માસીએ પણ બૂમાબૂમ કરી મૂકી હતી અને આયુષને બચાવવા ધમપછાડા કર્યા હતા. જોકે, આયુષ ચેકડેમના ઉંડા પાણીમાં ગરક થઇ ગયો હતો અને તેનો કોઇ પત્તો ન લાગતા સ્થાનિકોએ આવેશના પરિવારને સામગ્ર ઘટનાની જાણ કરી હતી. દીકરો ડૂબી ગયાના સમાચાર પરિવારજનોને મળતા જ તેઓ ઘટનાસ્થળે દોડી જઈ આયુષની શોધખોળ કરી હતી.
થોડીવાર બાદ આયુષનો મૃતદેહ પાણીમાંથી મળી આવતા પરિવારજનોના માથે દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાથી પીપલ્યામાળ ગામમાં પણ દુ:ખનું મોજું ફરી વળ્યું હતું. પોતાના દિકરાને ગુમાવી દેતા ગામીત પરિવાર હોશ ખોઇ બેઠો હતો. બનાવ અંગે ભાનુબેન બાબુભાઈએ આહવા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં બનાવની નોંધ લઇ આગળની તપાસ આહવા પોલીસે હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.