રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાની નડગચોંડ અને આહવા તાલુકાની ચિખલી સરકારી માધ્યમિક શાળાઓનું 30 વર્ષનાં મુદ્દતે ખાનગીકરણમાં મર્જ કરી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ પોરબંદર સંચાલિત સાંદિપનીને સોંપતા ભારે વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓએ કલેક્ટરને ખાનગીકરણ િવરોધમાં રેલી કાઢી આવેદન પાઠવ્યું હતું. ડાંગની ચીખલી સરકારી માધ્યમિક શાળાને ખાનગીકરણમાં મર્જ કરાતા ગ્રામજનો સરકાર વિરુદ્ધ લડાયક મૂડમાં આવી ગયા છે.
ચીખલી સરકારી માધ્યમિક શાળા અને નડગચોંડનું ખાનગીકરણ અટકાવવા માટે ગ્રામજનોએ ઉગ્ર આંદોલન સહિત તાળાબંધીનો કાર્યક્રમ યોજ્યો હતો. આ બન્ને સરકારી માધ્યમિક શાળાનો સરકાર દ્વારા ગ્રામજનોને કોઈ હકારાત્મક ઉકેલ નહીં આપતા ગ્રામજનો લડી લેવાનાં મૂડમાં જણાઈ રહ્યા છે. ગતરોજ ચીખલીના ગ્રામજનો તથા વાલીઓ બાદ ધોરણ-9 થી 12નાં 141 વિદ્યાર્થી પણ શાળાનાં ગેટની બહાર આવી જઈ હડતાળ પર ઉતરી જતા સોપો પડી ગયો હતો.
બીજી તરફ ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ પોરબંદરનાં સંચાલક મંડળ દ્વારા ખાનગીકરણનાં મુદ્દે અડચણરૂપ બનેલ લેખરાજ સામનાની અને સાધ્વી યશોદા દીદી વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરાતા મામલો ગરમાયો છે. ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ પોરબંદર સંચાલિત સાંદિપની વિદ્યાસંકુલનાં સંચાલક મંડળ દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી જણાવ્યું છે કે ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક સાથે તા 28-03-2022નાં આદેશથી આ બન્ને સરકારી માધ્યમિક શાળાઓ ખાનગીકરણમાં મર્જ થઈ છે અને સરકાર દ્વારા આ બન્ને શાળાનો કબ્જો સંસ્થાને 28-06-2022નાં રોજ આપી દીધો છે.
ચીખલી ગામનાં ગ્રામજનો વતી લેખરાજ સામનાની અને સાધ્વી યશોદા દીદી દ્વારા સંસ્થા વિરુદ્ધનાં વિડીયો બનાવી વહેતો કરી સમાજ તથા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. આ ખાનગી સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ફી વસૂલવામાં આવતી નહીં હોવા છતાં આ બન્ને દ્વારા ખોટા પ્રચાર કરી સંસ્થાને બદનામ કરવામાં આવી રહ્યા છે. જેથી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ દ્વારા આ અવરોધરૂપ બનેલા શખસો વિરુદ્ધ કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા ખળભળાટ મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.