સુખદ સમાધાન:ચીખલી સરકારી માધ્યમિક શાળાના અધિકારીઓએ હૈયા ધરપત આપતા ખાનગીકરણના વિવાદનો અંત

આહવા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગ કલેક્ટર સહિત જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ધારાસભ્યએ ગ્રામજનોની મુલાકાત લઈ સુખદ સમાધાનનાં પ્રયાસો કર્યા

ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ચીખલીનાં ખાનગીકરણનાં વિવાદને લઈને ડાંગ કલેક્ટર સહિત જિલ્લા પંચાયતનાં પ્રમુખ અને ધારાસભ્યએ ગ્રામજનોની મુલાકાત લઈ સુખદ સમાધાનનાં પ્રયાસો કરતા આખરે વિવાદ શાંત થયો હતો. રાજ્ય સરકારનાં શિક્ષણ વિભાગ દ્વારા થોડા સમય પૂર્વે ડાંગ જિલ્લાની સરકારી માધ્યમિક શાળા ચીખલી અને નડગચોંડનું ખાનગીકરણ કરી ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ પોરબંદરની સાંદીપની સંકુલ સાપુતારાને 30 વર્ષનાં કરાર પેટે સોંપતા વિવાદનો વંટોળ ઉભો થયો હતો.

ચીખલી સરકારી માધ્યમિક શાળાના ખાનગીકરણનાં મુદ્દે વાલીઓએ ઉગ્ર આંદોલન સહિત તાળાબંધી પણ કરી હતી. ખાનગીકરણનાં મુદ્દે વાલીઓ તો ઉગ્ર મૂડમાં હતા જ પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી શાળાના 141 વિદ્યાર્થી પણ શિક્ષણથી અળગા રહી હડતાળ પર ઉતર્યા હતા.

આ સાથે વિદ્યાર્થીઓએ એકમ કસોટીનો પણ બહિષ્કાર કરતા તેઓનાં ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો હતો ત્યારે આ શાળા વિવાદ રોજે રોજ ઉગ્ર બનતા સોમવારે ડાંગ જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા શિક્ષણઅધિકારી એમ.સી.ભુસારા,ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવિત, ધારાસભ્ય વિજયભાઈ પટેલ, બાંધકામ અધ્યક્ષ ચંદરભાઈ ગાવિત, આહવા તાલુકા પંચાયતનાં પ્રમુખ કમળાબેન રાઉત તથા ટ્રસ્ટી મંડળનાં હોદ્દેદારો શાળામાં દોડી ગયા હતા.

અહી ડાંગ જિલ્લાનાં કલેક્ટર સહિત પદાઅધિકારીઓએ ખાનગીકરણનાં મુદ્દે ગ્રામજનો સહિત સામાજિક આગેવાનોની રજૂઆત સાંભળી હૈયાધરપત આપી હતી. અહીં ટ્રસ્ટી મંડળનાં હોદ્દેદારો દ્વારા આવનાર દિવસોમાં આ શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ, બાળકોનાં અપડાઉન માટે વાહનની વ્યવસ્થા, બાળકો માટે બપોરનો નાસ્તો,શાળાનાં પુસ્તકો સહિત ગણવેશની વ્યવસ્થા તેમજ આધુનિક શિક્ષણની વ્યવસ્થામાં તેઓ કોઈ કચાશ રાખશે નહીં એવી તંત્ર તથા પદાધિકારીઓની સમક્ષ વાલીઓને બાંહેધરી આપી હતી.

ડાંગ જિલ્લા વહીવટી તંત્રની ટીમે વાલીઓ સહિત બાળકો સાથે સુખદ સમાધાન અંગે ચર્ચા કરી બાળકો પૂર્વરત શિક્ષણ કાર્યમાં જોડાઈ તેવી અપીલ પણ કરી હતી. હાલમાં ચીખલી સરકારી માધ્યમિક શાળાનાં ખાનગીકરણનો વિવાદ શાંત થઈ જતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...