• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • Bird Festival Organized On March 18 And 19 As Part Of 'World Sparrow Day' Celebrations At Dangna Kilad Registration Required To Participate

'બર્ડ ફેસ્ટિવલ-2023':ડાંગના કિલાદ ખાતે 'વર્લ્ડ સ્પેરો દિવસ'ની ઉજવણીના ભાગરૂપે 18 અને 19 માર્ચે બર્ડ ફેસ્ટિવલનું આયોજન, ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી

ડાંગ (આહવા)14 દિવસ પહેલા
  • કૉપી લિંક

તા.20મી માર્ચને ‘વર્લ્ડ સ્પેરો દિવસ’ તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ વન વિભાગ દ્વારા તા.18 અને 19 માર્ચના રોજ કિલાદ ઇકો કેમ્પ સાઇટ-વઘઇ ખાતે ‘બર્ડ ફેસ્ટિવલ-2023’નું આયોજન કરાયું છે.

ડાંગ જિલ્લોએ કુદરતી વન સંપદાથી ભરપૂર જિલ્લો છે અને તેથી જ અહીં પક્ષીઓની વિવિધતા પણ જોવા મળે છે. પક્ષીઓનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરવું એ આપણાં સૌની નૈતિક જવાબદારી બની રહે છે. આ બાબતે લોકોમાં વ્યાપક જાગૃતિ આવે તે માટે ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને શહેરીજનો ‘બર્ડ ફેસ્ટિવલ’ માં ભાગ લઈ શકે તે માટે ડાંગ વન વિભાગ તરફથી તેનું આયોજન કરાયું છે.

ડાંગ વન વિભાગના એ.સી.એફ. આરતી ડામોરના જણાવ્યા અનુસાર ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઇ ખાતે આવેલી કિલાદ ઇકો કેમ્પ સાઇટ ખાતે વન વિભાગના ઉચ્ચ વરીસ્ઠ અધિકારીઓ, પક્ષીવિદો, તથા ક્ષેત્રિય કર્મીઓની ઉપસ્થિતિમાં યોજાનારા ‘બર્ડ ફેસ્ટિવલ’ દરમિયાન નિષ્ણાંતો દ્વારા માહિતીપ્રદ વ્યાખ્યાન સહિત ભાગ લેનારા પક્ષીપ્રેમીઓની ટિમ બનાવી તેમને જાણકારોના સથવારે જંગલ ટ્રેલ પણ કરાવવામાં આવશે. જેમાં બાયનોક્યુલરની મદદથી પક્ષી નિરીક્ષણ કરાવી, પક્ષીઓના હેબિટાટ અને ફિજ્યોલોજી વિશે સ્થળ પર જાણકારી આપી, પક્ષી પ્રત્યેની અભિરુચિ કેળવી, તેઓને પક્ષી સંરક્ષણ વિશે જાગૃત કરવામાં આવશે.

પક્ષીઓનો મધુર અવાજ સૌને મંત્રમુગ્ધ કરી દેતો હોય છે. જ્યાં ઘનઘોર વન હોય ત્યાં જ વૈવિધ્યસભર પક્ષીઓની હાજરી જોવા મળતી હોય છે. ડાંગએ ડ્રાઈ મોઈસ્ટ ડેસીડયુઅસ ફોરેસ્ટ છે અને તેથી તેમાં ખૂબ જ વૈવિધ્યતા જોવા મળે છે. તેમ જણાવતા સુશ્રી ડામોરે વધુમાં ઉમેર્યું હતું કે, ડાંગએ વેસ્ટર્ન ઘાટનો શરૂઆતનો ભાગ છે. જેનો બાયોડાયવર્સિટી હોટ સ્પોટમાં સમાવેશ થયેલો છે. સાપુતારા ખાતેના ટ્રાયબલ મ્યુઝિયમમાં પણ પક્ષીઓની વિવિધ જાતો નિહાળી તેનો સમૃદ્ધ વારસો આપણે જોઇ શકીએ છીએ. આખા ગુજરાતમાં ક્યાંય જોવા ન મળે, તેવા વિવિધ પક્ષીઓનો ઇતિહાસ પણ અહી પ્રદર્શિત કરાયો છે. સમયકાળે આમાથી કેટલાક પક્ષીઓ નાશપ્રાય: થયા છે.

પરંતુ હજુ પણ જેટલા પક્ષીઓ હયાત છે, તે સૌનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એ આપણી સૌની ફરજ બની રહે છે તેમ તેમણે જણાવ્યુ હતું. આ માટે જ ડાંગ વન વિભાગ દ્વારા ભવિષ્યની પેઢીને પક્ષીઓનો સમૃદ્ધ વારસો અને જ્ઞાન ઉપલબ્ધ કરાવવા માટે આ ‘બર્ડ ફેસ્ટિવલ’ નું આયોજન કરાયું છે તેમ તેમણે વધુમાં કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના વનોમાં સૌથી પણ વધુ પક્ષીઓની પ્રજાતિઓ જેવી કે Malabar Trogon, Forest Owlet, Shama, White Belied Wood Pacher, Racquet Tailed Drongo, Paradise Flycatcher વગેરે જોવા મળે છે.

ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન જરૂરી
‘બર્ડ ફેસ્ટિવલ-2023’માં ભાગ લેવા માટે પક્ષીપ્રેમીઓને www.kiladcampsite.com ઉપર તા.17મી માર્ચના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા પણ અનુરોધ કરાયો છે. મહાલ કેમ્પ સાઇટ પણ તા.18મી માર્ચથી ફરી શરૂ થશે. ગત તા.11 થી 14 જુલાઇ 2022 દરમિયાન ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે પુર્ણા નદીને અડીને આવેલી મહાલ ઇકો કેમ્પ સાઇટને ભારે નુકશાન થતાં તે બંધ કરવામાં આવી હતી. જેનું સમારકામ પૂર્ણ થતાં હવે નવા રંગરૂપ સાથે આ કેમ્પ સાઇટ તા.18મી માર્ચ 2023થી ફરી પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવી રહી છે. મહાલ કેમ્પ સાઇટના બુકિંગ માટે www.mahalcampsite.com નો સંપર્ક સાધી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...