20મી માર્ચને ‘વર્લ્ડ સ્પેરો દિવસ’ તરીકે વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે ડાંગ વન વિભાગ દ્વારા 18 અને 19 માર્ચના રોજ કિલાદ ઇકો કેમ્પ સાઇટ-વઘઇમાં ‘બર્ડ ફેસ્ટિવલ-2023’નું આયોજન કરાયું છે.
ડાંગ જિલ્લો એ કુદરતી વન સંપદાથી ભરપૂર જિલ્લો છે અને તેથી જ અહીં પક્ષીની વિવિધતા પણ જોવા મળે છે. પક્ષીઓનું જતન, સંવર્ધન અને સંરક્ષણ કરવું એ આપણાં સૌની નૈતિક જવાબદારી બની રહે છે. આ બાબતે લોકોમાં વ્યાપક જાગૃતિ આવે તે માટે ખાસ કરીને બાળકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને શહેરીજનો ‘બર્ડ ફેસ્ટિવલ’ માં ભાગ લઈ શકે તે માટે ડાંગ વન વિભાગ તરફથી તેનું આયોજન કરાયું છે.
ડાંગ વન વિભાગના એસીએફ આરતી ડામોરના જણાવ્યાનુસાર ડાંગના પ્રવેશદ્વાર વઘઇમાં આવેલી કિલાદ ઇકો કેમ્પ સાઇટમાં વન વિભાગના ઉચ્ચ વરીષ્ઠ અધિકારીઓ, પક્ષીવિદો તથા ક્ષેત્રિય કર્મીઓની ઉપસ્થિતિમાં યોજાનારા ‘બર્ડ ફેસ્ટિવલ’ દરમિયાન નિષ્ણાંતો દ્વારા માહિતીપ્રદ વ્યાખ્યાન સહિત ભાગ લેનારા પક્ષીપ્રેમીઓની ટીમ બનાવી તેમને જાણકારોના સથવારે જંગલ ટ્રેલ પણ કરાવાશે. જેમાં બાયનોક્યુલરની મદદથી પક્ષી નિરીક્ષણ કરાવી, પક્ષીઓના હેબિટાટ અને ફિજ્યોલોજી વિશે સ્થળ પર જાણકારી આપી પક્ષી પ્રત્યેની અભિરુચિ કેળવી તેઓને પક્ષી સંરક્ષણ વિશે જાગૃત કરાશે.
ડાંગ એ ડ્રાઈ મોઈસ્ટ ડેસીડયુઅસ ફોરેસ્ટ છે અને તેથી તેમાં ખૂબ જ વૈવિધ્યતા જોવા મળે છે તેમ જણાવતા ડામોરે વધુમાં ઉમેર્યું હતું કે, ડાંગ એ વેસ્ટર્ન ઘાટનો શરૂઆતનો ભાગ છે. જેનો બાયોડાયવર્સિટી હોટ સ્પોટમાં સમાવેશ થયેલો છે. સાપુતારાના ટ્રાયબલ મ્યુઝિયમમાં પણ પક્ષીઓની વિવિધ જાતો નિહાળી, તેનો સમૃદ્ધ વારસો આપણે જોઇ શકીએ છીએ. આખા ગુજરાતમાં ક્યાંય જોવા ન મળે, તેવા વિવિધ પક્ષીઓનો ઇતિહાસ પણ અહી પ્રદર્શિત કરાયો છે.
સમયકાળે આમાથી કેટલાક પક્ષીઓ નાશપ્રાય: થયા છે પરંતુ હજુ પણ જેટલા પક્ષીઓ હયાત છે, તે સૌનું સંરક્ષણ અને સંવર્ધન કરવું એ સૌની ફરજ બની રહે છે. ડાંગ વન વિભાગ દ્વારા ભવિષ્યની પેઢીને પક્ષીઓનો સમૃદ્ધ વારસો અને જ્ઞાન ઉપલબ્ધ કરાવવા માટે આ ‘બર્ડ ફેસ્ટિવલ’નું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના વનોમાં 100થી પણ વધુ પક્ષીઓની પ્રજાતિઓ જેવી કે Malabar Trogon, Forest Owlet, Shama, White Belied Wood Pacher, Racquet Tailed Drongo, Paradise Flycatcher વગેરે જોવા મળે છે. બર્ડ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પક્ષીપ્રેમીઓને www.kiladcampsite.co m ઉપર 17મી માર્ચના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા પણ અનુરોધ કરાયો છે.
મહાલ કેમ્પ સાઇટ પણ તા.18 મી માર્ચથી ફરી શરૂ કરવામાં આવશે
ગત 11થી 14 જુલાઇ દરમિયાન ડાંગ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે પૂર્ણા નદીને અડીને આવેલી મહાલ ઇકો કેમ્પ સાઇટને ભારે નુકસાન થતાં તે બંધ કરાઇ હતી. જેનું સમારકામ પૂર્ણ થતાં હવે નવા રંગરૂપ સાથે આ કેમ્પ સાઇટ 18મી માર્ચથી ફરી પર્યટકો માટે ખુલ્લી મૂકવામાં આવી રહી હોવાનું ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી દ્વારા જણાવાયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.