સંવેદનશીલ નિર્ણય:ભવાડીની મહિલા બની 1.44 હેક્ટર જમીનની માલિક, વન અધિકારી ધારો આદિવાસી મહિલા માટે જીવનનો બન્યો આધાર

આહવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા સાડા ત્રણ દાયકા સુધી જંગલની જમીનમા ખેતી કરીને પેટીયુ રળતી ભવાડી ગામની આદિવાસી મહિલા ગીતાબેન મોકાશીને રાજય સરકારે તે જે જમીનમા વર્ષોથી ખેતી કરતી હતી તે 1.44 હેક્ટર જમીન નામે કરી આપીને, આ જમીનની તેને માલિક બનાવી દીધી છે.મહિલાઓના સશક્તિકરણને વરેલી રાજ્ય સરકારના વન અધિકાર ધારા હેઠળ ભવાડી ગામના આ મહિલા લાભાર્થી ગીતાબેન જ્યેશભાઈ મોકાશીને અંદાજીત રૂ. 9 લાખની તે સમયની બજાર કિંમતની 1.44 હેક્ટર જમીન વિનામુલ્યે પ્રાપ્ત થતા તેઓ હવે જમીનદાર બની ગયા છે.

ભવાડી ગામની સીમમા આવેલી જંગલ વિભાગ હસ્તકની સરવે નંબર 15/1, ક્મ્પાર્ટમેન્ટ નંબર -18ની આ જમીનમા વર્ષો સુધી ખેતી કરીને પરિવારનુ ભરણપોષણ કરતા આ લાભાર્થી હવે કોઈ પણ જાતની બીક વિના ખેતી કરીને તેના પરિવારનુ ભરણપોષણ કરી રહ્યા છે. પોતાના નામે આજદિન સુધી જમીનનો એક નાનો અમથો ટુકડો પણ ન હતો તેમ જણાવી ગીતાબેન મોકશીએ કહ્યુ હતુ કે, સને 2013ની 25મી જૂને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં પધારેલા તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ જમીનનો હક્કપત્ર તેમને એનાયત કરાયો હતો.

વિશેષ કરીને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને મહિલાઓને સ્વાવલંબી બનાવનારી આ સરકાર પ્રત્યે ગીતાબેન મોકશીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગીતાબેનને મળેલી ત્રણ ટુકડાની આ જમીનમા સફેદ મૂસળી સહિતના પાકોનુ તેઓ પ્રતિવર્ષ વાવેતર કરે છે. જુવાર, ડાંગર, નાગલી, તુવેર, અડદ, વરઈ, મગફળી વગેરેનુ વાવેતર કરીને કૃષિ ઉત્પાદન વધારવાના પ્રયાસો પણ તેમણે હાથ ધર્યા છે.

આમ ડાંગ જિલ્લાના ભવાડી જેવા ઊંડાણના ગામની આદિવાસી સ્ત્રી માટે વન અધિકાર ધારો જીવનનો આધાર બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કૃપાથી પ્રાપ્ત થયેલી જમીનમા પરિશ્રમનો પ્રસ્વેદ રેડીને ગીતાબેન મોકશીએ કરેલા વિકાસનો શ્રેય રાજ્ય અને કેન્દ્ર સરકારને આપતા તેઓએ 10મી જૂને દક્ષિણ ગુજરાતના ખુડવેલ ગામે ‘આદિવાસી ગૌરવ સંમેલન’મા પધારી રહેલા વડાપ્રધાનને ચિત્રકલાના માધ્યમથી તેમની અભિવ્યક્તિ વ્યક્ત કરતા પેઈન્ટીંગ ભેટ આપીને અહોભાવ વ્યક્ત કરવાની મહેચ્છા વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...