ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત સુબીર પંથકમાં સતત ત્રીજા દિવસે મેઘમહેરે ધબધબાટી બોલાવતા નદી,નાળા અને વહેળાઓ ગાંડાતુર બન્યાં હતા.ડાંગ જિલ્લાનાં ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમ છેલનાં દ્રશ્યો પ્રતીત થયા હતા.
ડાંગ જિલ્લામાં અગાઉ વરસાદી માહોલે તાંડવ રચતા ઠેરઠેર ભારે નુકસાન થયું હતું. જેમાં માનવ સહિત પશુમૃત્યુનાં બનાવો નોંધાયા હતા. શનિવારે સતત ત્રીજા દિવસે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત સુબીર પંથકમાં બપોરબાદ વરસાદી માહોલે જોરદાર ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
સુબીર અને સાપુતારા પંથકમાં પડેલ ધોધમાર વરસાદનાં પગલે અંબિકા,ગીરા અને પૂર્ણા નદીમાં પાણીનો પ્રવાહ વધતા ગાંડીતુર બની હતી અને માર્ગો પર પાણી ભરાયા હતા.જ્યારે અંબિકાનાં પાંચથી વધુ નીચાણવાળા કોઝવે થોડાક સમય માટે પ્રભાવિત બન્યા હતા. આહવા અને વઘઇ પંથકમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો.
ગિરિમથક સાપુતારામાં હાલમાં મેઘમલ્હાર પર્વ ચાલી રહ્યો છે પરંતુ સતત ત્રીજા દિવસે વરસાદી તાંડવે ગિરિમથક સાપુતારાને ઘમરોળતા મોન્સૂન ફેસ્ટિવલનાં રંગમાં પણ ભંગ પડ્યો હતો. સાપુતારામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની બેદરકારીનાં પગલે ઘાટમાર્ગની બંજર સ્થિતિ અને છેલ્લા ત્રણ દિવસથી ખાબકી રહેલ ધોધમાર વરસાદનાં પગલે ફરી ભેખડો ઘસવાનાં ભયનાં પગલે હાલમાં ઓછી સંખ્યામાં પ્રવાસીઓ આવતા ચાલુ વર્ષનો મેઘમલ્હાર પર્વ ફિક્કો થયો છે.
ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન વઘઇમાં 21 મિમી, આહવામાં 44 મિમી (1.76 ઈંચ), સુબીરમાં 61 મિમી (2.44 ઈંચ), જ્યારે સાપુતારામાં 2.84 ઈંચ વરસાદ નોંધાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.