ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા અથવા કડક અમલીકરણ કરવા બાબતે ડાંગ BTSએ સુબીર મામલતદારને આવેદન આપ્યું હતું. દેશના રાષ્ટ્રપતિને સંબોધીને સોમવારે ડાંગ જિલ્લા ભારતીય ટ્રાઇબલ સેનાએ ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા અથવા કડક અમલીકરણ કરવા બાબતે સુબીર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં ભારતીય ટ્રાઇબલ સેના ડાંગ પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં દારૂબંધીની કડક અમલીકરણ નહીં થવાના કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને છે.
આઝાદીનાં 61 વર્ષ થયા છે પરંતુ રાજ્યમાં એકપણ એવુ કોઈ ગામ કે શહેર નથી કે જ્યા દારૂનો વેપાર થતો નહીં હોય અને ખુલ્લેઆમ દારૂ પીવાતો નહીં હોય. રોજ કરોડોનો દારૂ વેચાય છે અને પીવાય છે માત્ર નામની જ દારૂબંધી છે. બોટાદ-અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડ એ પહેલીવાર બન્યો નથી. આ પહેલા પણ અનેક લોકોએ આ કેમીકલ વાળો ઝેરી દારૂ પીને મોતને ભેંટ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાતનાં નામે કરોડોનો ખર્ચો કરીને ગુજરાતને વાઇબ્રન્ટ મોડ પર મુકનારી ગુજરાતની આ સરકારે લઠ્ઠાકાંડની ઘટના પરથી બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે.
ટૂંકા ગાળાના અંગત સ્વાર્થ ને કારણે સરકાર આંખ આડા કાન કરી રહી છે અને સરકારની ગુજરાતમાં દારૂબંધીની એવી નિતિને કારણે કેમીકલવાળો હલકી ગુણવત્તાનો દારૂ પીને લોકો મરી જાય છે. લાખો બહેનો વિધવા બને છે, બાળકો અનાથ બને છે, જેથી ડાંગ BTSની માંગ છે કે, સરકાર દ્વારા દારૂબંધીની કડક અમલવારી ન થઈ શકે તો ગાંધી-સરદારનાં નામે હવે બહુ થયુ દારૂબંધીનો પુનઃવિચાર કરવામાં આવે. મુંબઈ,દિલ્હી, બેંગ્લોર જેવી મેગા સિટીઓમાં દારૂબંધી ન હોવા છતાં ત્યાં મૃત્યુઆંક ખૂબ ઓછો છે.
રાજ્યનાં લોકોને દમણ,સેલવાસ, આબુ, ઉદયપુર ગોવા, મુંબઈ કે મહારાષ્ટ્ર જવુ ન પડે અને પોતાના વિસ્તારમાં જ મહુડાના ફૂલમાંથી તાડ ના ઝાડની તાડી સસ્તા અને સારો તથા ઓછા મયોર્કવાળો દારૂ મળી રહે તે માટે છૂટ આપી દેવી જોઈએ, જેથી લઠ્ઠાકાંડ જેવી રોજબરોજની ઘટના ટાળી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.