• Gujarati News
  • Local
  • Gujarat
  • Dangs
  • All 311 Villages Of Dang Will Be Hoisted With Tricolors, More Than 50 Thousand National Flags Will Be Distributed Free Of Cost With The Support Of Prayosha Pratisthan.

હર ઘર તિરંગા અભિયાન:ડાંગના તમામ 311 ગામોના ઘર પર તિરંગો લહેરાશે, પ્રયોશા પ્રતિષ્ઠાનના સહયોગથી 50 હજારથી વધુ રાષ્ટ્રધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરાશે

ડાંગ (આહવા)4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 70 ગ્રામ પંચાયતો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડાશે, વઘઈમાં મશાલ રેલીનું આયોજન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ડાંગ જિલ્લાના તમામ 311 ગામડાઓમાં તા: 13 થી તા: 15 ઓગસ્ટ સુધી 'હર ઘર તિરંગા' કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના પ્રયોશા પ્રતિષ્ઠાન સંસ્થા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિર માલેગાવ દ્વારા ડાંગ જિલ્લાના દરેક ગામડાઓમા તિરંગા વહેંચણી અંગે વહીવટી તંત્ર તેમજ જિલ્લા પદાધિકારીઓ સાથે મિટિંગનુ આયોજન કરવામા આવ્યુ હતું.

50 હજારથી વધુ રાષ્ટ્રધ્વજનું વિના મુલ્યે વિતરણ કરાશે
ડાંગ જિલ્લામાં છેલ્લા 20 વર્ષથી શિક્ષણ સાથે સંસ્કારબીજનુ વાવેતર કરી રહેલા પ્રયોશા પ્રતિષ્ઠાનના સહયોગથી જિલ્લામા આગામી તા. 9થી 11 ઓગસ્ટ દરમિયાન જિલ્લાની તમામે તમામ 70 ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ઠ 311 ગામોના પરિવારજનો તેમના ઘર ઉપર તિરંગો લહેરાવી શકે તે માટે તેમને 50 હજારથી વધુ રાષ્ટ્રધ્વજનું વિના મુલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

દરેક ધર્મ, પ્રાંતના લોકોએ આઝાદી માટે બલીદાન આપ્યું - પી.પી.સ્વામી
આ પ્રસંગે પ્રયોશા પ્રતિષ્ઠાનના સ્થાપક-સંચાલક પી.પી.સ્વામીએ જણાવ્યું હતું કે, દેશને ગુલામીમાંથી આઝાદ કરવા માટે નામી-અનામી દેશના દરેક ધર્મ, પ્રાંતના લોકોએ આઝાદી માટે બલીદાન આપ્યું હતું. દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ડાંગ જિલ્લાના છોટુભાઇ નાયક, ધેલુભાઇ નાયક અને પુર્ણીમાબેન પકવાસાનો પણ અમુલ્ય ફાળો રહેલો છે. આઝાદીના 75 વર્ષ પુર્ણ થતા દેશના તમામ લોકો 'હર ઘર તિરંગા અભિયાન'માં જોડાય તે માટે આહ્વાન કર્યુ હતું.

70 ગ્રામ પંચાયતો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં આવશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તા. 9થી 11 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં બે જેટલા શણગારેલા રથના માધ્યમથી, દેશભક્તિના ગીતસંગીતની સુરાવલીઓ વચ્ચે, તમામે તમામ 70 ગ્રામ પંચાયતો સુધી રાષ્ટ્રધ્વજ પહોંચાડવામાં આવશે. શિસ્તબદ્ધ સ્વયંસેવકો ભારતની આન, બાન, અને શાન સાથે રાષ્ટ્રધ્વજની આચાર સંહિતાનુ માહાત્મ્ય સમજાવી, ભારતમાતા-રાષ્ટ્રમાતાના પૂજન સાથે ધ્વજનુ વિતરણ કરશે. તેમજ તિરંગા વિતરણ પ્રસંગે સમાજ શ્રેષ્ઠીઓ વિશેષ હાજરી આપશે.

શ્રેષ્ઠ દેખાવ કરનારા પ્રથમ ત્રણ ગામોને ઈનામ મળશે
​​​​​​​રાષ્ટ્રધ્વજના વિતરણ ઉપરાંત તા.13 થી 15 તારીખ દરમિયાન આહવા, સાપુતારા તેમજ વધઇમા 'મસાલ રેલી' પણ યોજવામા આવનાર છે. સામાજિક સંસ્થા પ્રયોશા પ્રતિષ્ઠાનના 20 વર્ષ પૂર્ણ થતા જિલ્લામા અનેકવિધ કાર્યક્રમો જેવા કે પ્રભાત ફેરી, સંધ્યા ફેરી, ગ્રામ સફાઈ સહીત અનેકવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમોનુ પણ આયોજન કરવામા આવ્યું છે. જેમાં શ્રેષ્ઠ દેખાવ કરનારા પ્રથમ ત્રણ ગામોને અનુક્રમે રૂ. 11 હજાર, રૂ. 9 હજાર, અને રૂ. 7 હજારનું પ્રોત્સાહક પારિતોષિક પણ અર્પણ કરવામા આવશે. અનેકવિધ કાર્યક્રમોના સથવારે જિલ્લા વહીવટી તંત્રની સાથે ખભે ખભા મિલાવીને 'પ્રયોશા પ્રતિસ્ઠાન' ડાંગ જિલ્લામા 'આઝાદીના અમૃત મહોત્સવ'નો મહિમા ગુંજતો કરશે.

અન્ય સમાચારો પણ છે...