પ્રજાના હિત અને રક્ષણ:આહવા સરકારી શાળામાં e-FIR તેમજ પ્રજા સાથે પોલીસના સંબંધ અને કામગીરી અંગે સંવાદ સંધાયો

આહવા3 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આહવા સરકારી માધ્યમિક શાળા ખાતે e-FIR તેમજ પ્રજા સાથે પોલીસના સંબંધ અને પોલીસની કામગીરી અંગે સંવાદ સંધાયો હતો. ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિ અર્થે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓ સાથે મોકળા મને સંવાદ સાંધતા જણાવ્યું હતુ કે, પોલીસ પ્રજાના હિત અને રક્ષણ માટે છે.

દરેક લોકો કાયદાનુ પાલન કરે તે જરૂરી છે. પોલીસથી ડરવાની જરૂર નથી. તેમણે ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ગાડી નહીં ચલાવવા સાથે ડ્રાઇવ કરતી વખતે હેલ્મેટ પહેરવુ અતિ આવશ્યક છે તેમ કહ્યું હતું. આર્થિક રીતે નબળા લોકો માટે ડાંગ પોલીસ હેલ્મેટની સુવિધ ઉપલબ્ધ કરાવશે તેમ પણ રવિરાજસિંહ જાડેજાએ વધુમા જણાવ્યું હતું. 23 જુલાઈના રોજ ગૃહમંત્રીના હસ્તે લોન્ચ થયેલ e-FIR અંગેની જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમા ગયા વિના ફોન દ્વારા e-FIR નોંધાવી શકાય છે.

વધુને વધુ લોકો સુધી પ્રજાહિતને માટે ઉપલબ્ધ કરાયેલ e-FIRના ઉપયોગ સાથે અન્ય લોકોમા પણ આ અંગે જાગૃતિ ફેલાય તે માટે આહવાન કર્યું હતુ. ડાંગ જિલ્લો વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવે છે. અહીં સ્થાનિક લોકોના પ્રશ્નો બાબતે પોલીસ હંમેશા તત્પર છે. પોલીસ પ્રજાનો મિત્ર છે. પ્રજાની સેવા માટે છે.તેમજ ડાંગ જિલ્લા પોલીસ હરહંમેશા 24x7 પ્રજાની સેવા કરવા તત્પર છે તેમ રવિરાજસિંહજી જાડેજાએ જણાવ્યું હતું.

નાયબ પોલીસ અધિક્ષક એસ.જી પાટીલે જણાવ્યુ હતુ કે, પોલીસ લોકોની સેવા તેમજ કાયદાકીય મુશ્કેલીના નિવારણ અને સુરક્ષા માટે છે. પોલીસ પ્રજાનો દુશ્મન નથી, પરંતુ કાયદાકીય ફરજોનું પાલન, અમલીકરણ કરવું એ પોલીસની ફરજ છે. પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધ સુમેળભર્યા થાય તે હેતુથી આ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો છે. એલસીબી પીએસઆઈ જે.એસ. વળવીએ e-FIR વિશે માહિતી આપી હતી.

પ્રજાજનોને મોબાઈલ અને વાહનચોરી માટે હવે QUEUEમા નહીં ઉભુ રહેવુ પડે માત્ર QR CODE સ્કેન કરીને પણ ફરિયાદ નોંધાવી શકશે. પોલીસની આ સેવાનો લાભ લેવા તેમજ આ નવી સવલતનો વધુ ફેલાવો કરવા જયેશભાઇ વળવીએ અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક જીગ્નેશભાઈ ગામીત, પી.જી.પટેલ, અન્ય પોલીસ અધિકારીઓ, સરકારી માધ્યમિક શાળાના આચાર્ય અમરસિંહ ગંગોડા તથા શિક્ષક ગણ તેમજ મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...