સાપુતારા વઘઇ ઘાટ માર્ગ ઉપર સામગહાન નજીક 2 બચ્ચા સાથે દીપડી દેખાયા બાદ ફરી એક વાર દેવીનામાળ વિસ્તારમાં દીપડી તેના બચ્ચાને રમાડતી હોય તેવો હોય વીડિયો સામે આવ્યો હતો. આ સાથે આહવા તાલુકાના ગલકુંડ અને સુબીર તાલુકાના બરડીપાડાથી પણ રાત્રિના સમયે જંગલમાં ફરતા દીપડાના વીડિયો વાઈરલ થયા હતા. જોકે, 100 ટકા જંગલ વિસ્તાર એવા ડાંગ જિલ્લામાં રહેતા સ્થાનિક આદિવાસીઓ માને છે કે, આ જંગલ એ પશુ-પક્ષીઓનું ઘર છે અને આપણે મનુષ્ય એમના વિસ્તારમાં રહીએ છીએ. આજ કારણે જંગલ વિસ્તારમાં ફરતા પશુ-પક્ષીઓથી અહીંના લોકોમાં કોઈ ભય નથી. ગ્રામજનો નિર્ભય રીતે રાત્રે પણ એકલા ગામમાં ફરતા હોય છે અને એક સ્થળેથી બીજા સ્થળે નિર્ભયતાથી અવરજવર કરતા રહે છે.
હિંસક પ્રાણીઓ હોવા છતાં લોકો નિર્ભય
ડાંગના લોકોનું માનવું છે કે, પ્રકૃતિના પૂજક એવા આદિવાસી સમાજના લોકો દરેક વાર તહેવારે વાઘદેવની પૂજા કરે છે. આ સાથે તેઓ પ્રકૃતિની પૂજા કરે છે અને આ દેવોના આશીર્વાદથી જ તેમનું જીવન ચાલે છે. તેમજ પ્રકૃતિ જ તેમનું રક્ષણ કરે છે. એટલા માટે જ ડાંગ જિલ્લાના 311 જેટલા ગામોમાં અસંખ્ય હિંસક પ્રાણીઓ હોવા છતાં અહીંયા જંગલમાં લોકો નિર્ભય બનીને રહે છે.
પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા અપીલ
વન વિભાગનાં નાયબ વન સંરક્ષક પ્રસાદએ જણાવ્યુ કે, ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર દેખાતા હિંસક દીપડાને લઈને અહીંયા આવતા પ્રવાસીઓ ખાસ સાવચેતી રાખે એ જરૂરી છે. અવારનવાર સાપુતારા-વઘઇ અને સાપુતારા-આહવા માર્ગ ઉપર દીપડા તેના બચ્ચા સાથે કેમેરામાં કેદ થયા છે. ત્યારે ડાંગ જિલ્લાના પ્રવાસે આવતા લોકો પોતાની સલામતી માટે ખાસ કરીને રાત્રિના અંધારામાં કોઈ પણ કારણોસર પોતાના વાહનોમાંથી નીચે ન ઉતરે અને સાવચેતી રાખે એ જરૂરી છે. સાથે જંગલમાંથી પસાર થતાં દીપડા અને અન્ય પ્રાણીઓ અકસ્માતનો ભોગ ન બને એ માટે વાહન ચાલકોએ પણ ખાસ વાહનો મર્યાદિત ગતિમાં રાખીને જંગલમાંથી પસાર થવુ જોઈએ. એમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.