ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં સુરત રેંજનાં આઈજી ડો. રાજકુમાર પાંડિયનનાં અધ્યક્ષ સ્થાને e-FIR એપ્લીકેશન અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહનાં હસ્તે 23મી જુલાઈના રોજ e-FIR એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી છે. હાલમાં ઈ-એફ.આઈ.આર અંગે ગુજરાત રાજ્યનાં દરેક જિલ્લાઓમાં પણ અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. હવે તમારૂ વાહનચોરી કે મોબાઈલ ચોરી થાય તો એફ.આઈ.આર.માટે તમારે પોલીસ સ્ટેશનમાં જવાની જરૂર નથી.
ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ, સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપથી ગમે ત્યાંથી તમે ઓનલાઈન ફરિયાદ આંગળીનાં ટેરવે નોંધાવી શકો છો. શુક્રવારે સુરત પોલીસ મહાનિર્દેશક ડો. રાજકુમાર પાંડિયન તથા ડાંગ જિલ્લા પોલીસવડા રવિરાજસિંહ જાડેજાનાં અધ્યક્ષતામાં ગિરિમથક સાપુતારાની સાંદિપની શાળાનાં હોલમાં e-FIR એપ્લીકેશન સેવા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ડાંગ જિલ્લા એસપી રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કાયદા અને વ્યવસ્થાની દૃષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાત રાજયનાં પોલીસની ગણના થાય છે. જેનો શ્રેય ગુજરાત ગૃહ વિભાગને જાય છે.
રાજયનાં લોકોને વધુને વધુ સરળતાવાળી સગવડો મળે તે માટે પોલીસ વિભાગ તત્પર છે. ઈ એફઆઈઆર થકી સામાન્ય નાગરીકો ઘરબેઠા ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકે છે. આ યોજના માત્ર કાગળ પર જ રહી નહીં જાય તે માટે સમાજમાં જાગૃતિ જરૂરી છે. ડાંગની પ્રજા ભલી અને ભોળી છે. જેથી પોલીસથી ગભરાવાની જરૂર નથી, પોલીસ પ્રજાનો મિત્ર છે. આ પ્રસંગે સુરત રેંજનાં પોલીસ મહાનિર્દેશક ડો. રાજકુમાર પાંડીયને જણાવ્યું હતું કે ડાંગની પ્રજા પ્રકૃતિનાં રીતરિવાજોમાં માણવાવાળી છે. ડાંગી પ્રજા સરળ જીવન જીવતી હોવાનાં પગલે અહીં ગુના ઓછા નોંધાય છે.
તેઓએ ડાંગ જિલ્લાનાં લોકોને ઈ એફઆઈઆર એપ્લીકેશનની સેવાનો લાભ લેવા જણાવ્યું હતું. અહીં રેંજ આઈજી ડો. રાજકુમાર પાંડીયને ઉપસ્થિત આગેવાનોનાં પ્રશ્નોનાં જવાબ આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. આ સેમિનારમાં નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્યાય, નાયબ પોલીસ અધિક્ષકોમાં એસ.જી.પાટીલ, જે.જે.ગામીત, સાપુતારા હોટલ એસોસિએશનનાં પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલ, સાપુતારા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ગામોનાં આગેવાનો, પોલીસ પટેલો, સાપુતારા હોટલ એસોસિએશનનાં ઓનર્સ, સરપંચ, ગ્રામજનો સહિત પોલીસ વિભાગનાં કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.