અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડાંગ દરબારના ઐતિહાસિક મહોત્સવમાં પધારેલા દેશ-વિદેશના મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું. ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતાં રાજ્યપાલ એ આદિવાસી સમાજની જીવનશૈલી, તેમનો પ્રકૃત્તિપ્રેમ, કલા વારસો વગેરેને જાણવાનો અને માણવાનો અણમોલ અવસર પુરો પાડતા ડાંગ દરબારની ઐતિહાસિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કર્યો હતો.
રાજા-રજવાડાઓની માતૃભૂમિ પ્રત્યેની, દેશભક્તિની અપ્રતિમ ચાહનાને યાદ કરતા ડાંગ જિલ્લાના આ ઐતિહાસિક મહોત્સવને કારણે દેશની શૂરવીરતા, શૌર્યગાથા અને આદિવાસી ગૌરવને જાણવાનો અવસર પ્રદાન થાય છે. તેમ પણ રાજ્યપાલ એ ઉમેર્યુ હતુ. રાજ્યપાલ એ દેશના રાષ્ટ્રપતિપદ ઉપર દ્રૌપદી મુર્મુની નિયુક્તિ દેશના આદિવાસી સમાજનું ગૌરવ છે તેમ કહ્યું હતું.
ડાંગના રાજવીઓની ઉચ્ચત્તમ દેશભક્તિની ભાવનાને પ્રણામ કરી રાજ્યપાલ એ આદિવાસી પ્રદેશના વિકાસમાં તેમના યોગદાનની નોંધ લઇ આ પ્રદેશના લોકો પણ હવે વિકાસની મુખ્યધારામાં જોડાઇ રહ્યા છે તેમ જણાવ્યું હતું. પ્રાકૃતિક જિલ્લાનું સન્માન પ્રાપ્ત કર્યા બાદ ડાંગ જિલ્લાના લોકો અને વિશેષ અહીનાં ધરતીપુત્રોની જવાબદારી પણ વધી જાય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વૈશ્વિક ચિંતાનો વિષય બનેલા ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરતાં રાજ્યપાલ એ આધુનિકતાની આંધળી દોટથી અળગા રહીને ડાંગના લોકોએ જંગલનું જતન-સંવર્ધન કર્યું છે તેમ જણાવ્યું હતું. દેશના પ્રથમ પ્રાકૃતિક જિલ્લાનું ગૌરવ અપાવતા વડાપ્રધાન એ પ્રથમ વર્ષે જ રૂ. 32 કરોડ જેટલી માતબર રકમ ફાળવી હતી તેમ ઉમેર્યું હતું. 'મિલેટ વર્ષ'નો ઉલ્લેખ કરી રાજ્યપાલ એ પ્રાકૃતિક ખેતી સાથે વિસરાતા ધનધાન્યનું જતન કરવાનું પણ આહ્વાન કર્યું હતું.
ડાંગના વિકાસ માટે રાજ્ય સરકાર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી રહી છે. ત્યારે વિકાસની સાથે પ્રાકૃતિક અન્ન ઉત્પાદન ડાંગના વિકાસ માટે સીમાચિહ્નરૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું.
ગુજરાતની તમામ સરકારો એ વિશેષ કરીને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીને કારણે ગુજરાતમાં વિકાસને નવો વેગ મળ્યો છે, તેમ જણાવી રાજ્યપાલ એ આદિવાસી પ્રજાજનોને પ્રવાસનના માધ્યમથી ઘરઆંગણે જ રોજગારી પ્રાપ્ત થાય તેવા બહુવિધ પ્રયાસોનો ખ્યાલ આપ્યો હતો. સ્વાસ્થ્ય સેવાઓમાં પરંપરાગત આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિઓનો વ્યાપ વધે તે પણ સ્વસ્થ જીવનશૈલી માટે જરૂરી છે તેમ જણાવી રાજ્યપાલ એ, પારંપરિક ચિકિત્સા પદ્ધતિઓમાં રહેલી સંભાવનાઓનો યોગ્ય અભ્યાસ કરી, તેને વધુ લોકભોગ્ય બનાવવા માટે પણ અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક જીવન શૈલી પ્રાકૃતિક સંશાધનો ઉપર ભાર મુકતાં રાજ્યપાલ એ સ્વસ્થ સમાજના નિર્માણ માટે પ્રાકૃતિક ડાંગ અભિયાનને સફળ બનાવીને દેશના પ્રેરણાસ્ત્રોત બનવાની હિમાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.