ગુજરાતના ચેરાપૂંજી ગણાતા ડાંગ જિલ્લામાં પુષ્કળ વરસાદ પડે છે. પરંતુ ડુંગરાળ અને પથરાળ પ્રદેશ હોવાના કારણે સરકારની બધી યોજનાઓ અહીં કામ આવતી નથી અને છેવટે લોકો કોતરોમાં માઇલો દૂર પાણી શોધે છે.ડાંગની મહત્તમ પ્રજાને પાણીના અભાવે ખેતી કરવી દુષ્કર બને છે. પરંતુ વાસુર્ણાના એક કિસાને જાતે 32 ફૂટનો કૂવો ખોદી પાણીની વ્યવસ્થા કરી હતી.
ખેડૂતે કહ્યુ કે, કૂવો તો જાતે ખોદ્યો પણ હવે સરકાર કૂવાનુ પાકું બાંધકામ કરી આપે તો પાણી માટે પડતી મુશ્કેલીમાં રાહત થશે.
ડાંગ જિલ્લાના વહીવટી મથક આહવાથી 17 કિ.મી.ના અંતરે આવેલા વાસુર્ણા ગામમાં વસતા 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ જીવલ્યાભાઈ પવાર જેમને ખેતી માટે કુવાની જરૂર હોય 20 વર્ષ સુધી સરપંચને રજૂઆત કરી. અવારનવાર સરકારી કુવાની માંગણી કરી હતી, પરંતુ તેમની માંગણી નહી સ્વીકારાતા જાત મહેનત જિંદાબાદમા માનનારા ખેડૂત જાતે જ તેમના ખેતરમાં એકલા હાથે કૂવો ખોદવાનું શરુ કર્યું. પહેલો કુવો 10 ફૂટ ખોદયા બાદ ખડક નીકળતા તેનું કામ પડતું મૂકી બીજો કૂવો ખોદવાની શરૂઆત કરી. તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું.
ત્રીજા કુવામાં 15 ફૂટ એ પાણી નીકળ્યું હતું.પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું .ચોથા કૂવામાં પણ 15 ફૂટ એ ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી થાક્યા વગર વર્ષ પહેલા પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યુ હતુ.રાત દિવસ જ્યારે પણ આંખ ખુલે એટલે ખેડૂત કુવાના ખોદકામમાં જોતરાઈ જતો હતો. એકલા હાથે 14 મહિના સુધી સખત મહેનત 32 ફૂટ કૂવાનું ખોદકામ કર્યા બાદ ખેડૂતની મહેનત રંગ લાવી ખેડૂતના કૂવામાં પાણી નીકળતા ખેડૂતની 14 મહિના નો થાક પાણીને સ્પર્શતાજ જ પળમાં ઓગળી ગયો હતો.
આ અંગેની જાણ તેમના પરિવારજનોને થતા તેમના આનંદનો પાર રહ્યો ન હતો. ગ્રામજનો તેમજ તેમના કૂવાને જોવા માટે લોકોના ટોળેટોળા ધસી આવી જાતે કૂવામાં ઉતરી ખાતરી કરી ખેડૂતની મહેનતને બિરદાવી હતી. ગામના સરપંચ ગીતાબેનમ ગાવિતને આ બાબતની જાણ થતા તેઓ પણ તેમના કુવા પાસે દોડી આવી તેમની મહેનતને બિરદાવી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.