રાજયના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર એવા વઘઇ તાલુકા મથકે, સરકારી ખેતીવાડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના પટાંગણમા તા.26મી જાન્યુઆરી-પ્રજાસત્તાક પર્વ 2023ની ગરિમાપૂર્ણ ઉજવણી કરાશે.
ડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ સહિત આહવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ કોટબા ગામે, અને સુબીર તાલુકાનો કાર્યક્રમ ગિરમાળ ગામે યોજવા માટે, સંબંધિત જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કરતા કલેક્ટર ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ, ગણતંત્ર દિવસની પૂર્ણ આન, બાન, અને શાન સાથે ગરિમાપુર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાની હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેક્ટરે કાર્યક્રમ સ્થળની ચકાસણી સહિત રજૂ થનારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, માહિતીપ્રદ ટેબ્લો, શિસ્તબદ્ધ પરેડ તથા વ્યક્તિ વિશેષના સન્માન સહિતના કાર્યક્રમને સમયસર આખરી ઓપ આપવાની સૂચના આપી હતી. સંબંધિત જિલ્લા અધિકારીઓને આ કાર્યક્રમ સંબંધિત ફાળવેલી જવાબદારીઓ પૂર્ણ નિસ્ઠા સાથે સુપેરે બજાવવાની તાકીદ કરતા કલેક્ટરે કાર્યક્રમનુ મિનિટ ટુ મિનિટ રીહર્સલ, પાર્કિંગ વ્યવસ્થા, ડાયસ પ્લાન, એનાઉન્સર, મહાનુભાવના આગમન સંબંધિત વ્યવસ્થાઓ, વગેરે મુદ્દે જિલ્લા અધિકારીઓને ઝીણવટભર્યું માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, અને નાયબ વન સંરક્ષક દિનેશ રબારીએ પણ ઉપયોગી સૂચનો કર્યા હતા. બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેક્ટર પદ્મરાજ ગાવીતે, વિભાગવાર કામગીરી સંદર્ભે જિલ્લા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા. પ્રજાસત્તાક પર્વની આ બેઠકમા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી-વ-નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી.ચૌધરી, પ્રાયોજના વહીવટદાર જે.ડી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.તબીયાડ, ડિઝાસ્ટર મામલતદાર-વ-ચિટ્નીશ અર્જુનસિંહજી ચાવડા, કાર્યપાલક ઇજનેર એસ.આર.પટેલ સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.