આયોજન:ડાંગ જિલ્લામાં આદિવાસી અસ્તિત્વ બચાવો સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

આહવા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વઘઇ તાલુકાના ચીકાર ગામે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

આદિવાસીઓની અસ્મિતા અને ઓળખને ટકાવી રાખવા માટે આજે દક્ષિણ ગુજરાતનો આદિવાસી સમાજ ઝઝૂમી રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં વિકાસનાં નામે ક્યારેક મહાકાય ડેમોની જાહેરાત તો ક્યારેક સફારી પાર્ક તો ક્યારેક કોરીડોરનો મુદ્દો ગુંજી ઉઠે છે. ત્યારે પ્રાચીન સમયથી પ્રકૃતિનાં ખોળામાં વસવાટ કરતા જનજીવનને વિકાસનાં નામે જ કેમ ખલેલ પોહચાડવાની સાજીસ રચાઈ રહી છે.

આદિવાસી સંઘર્ષ સમિતિએ મહાકાય ડેમોનાં વિરોધ માટે ઠેરઠેર મહાસભાઓ ગજવતા આખરે સરકારે આ ડેમો સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. ગતરોજ ડાંગ જિલ્લાની આદિવાસી સંઘર્ષ સમિતિનાં નેજા હેઠળ જળ જંગલ જમીન અને આદિવાસી સમાજની અસ્મિતાને કાયમ માટે ટકાવી રાખવાનાં હેતુથી વઘઇ તાલુકાનાં ચીકાર ગામે આદિવાસી સાંસ્ક્રુતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં આદિવાસી આગેવાન અને વાંસદાનાં લડાયક ધારાસભ્ય અનંતભાઈ પટેલે સ્ટેજ પરથી હુંકાર ભરતા જણાવ્યુ હતુ કે, શબરીમાતા એ આદિવાસી સમાજની પૂર્વજ છે અને શબરીમાતાનું અમને આદિવાસી સમાજને ગર્વ છે. પરંતુ આજુબાજુથી કપટી બની આવેલને જણાવીએ છીએ કે ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ અમારી શબરીમાતાનો દીકરો છે અને તમારી તાકાતથી એને શબરીમાતાનાં ટ્રસ્ટમાંથી કેમ કાઢી નાખ્યો છે. એનો પણ આદિવાસી સમાજ જવાબ માંગીએ છીએ.

ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલમાં તાકાત નથી. વિજયભાઈ પટેલ અમોને શબરીમાતાનાં દીકરા તરીકે તમો બોલાવો. અમો તમારી સાથે છીએ અને શબરીધામને ઘેરાવાની તાકાત અમારામાં છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, આદિવાસી નેતા વિજયભાઈ પટેલને ન્યાય મળવો જોઈએ. અમો બહારથી આવેલાથી ઘબરાવવાનાં નથી. અમો આદિવાસી શબરીમાતાનાં દીકરાઓ છીએ. જે દિવસે કોઈ પણ પાર્ટી આદિવાસીઓનું અહિત કરશે તો અમો પાર્ટી છોડતા પણ ખચકાઈશુ નહીનું જણાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં જુસ્સો જોવા મળ્યો હતો.

ડાંગનાં ચીકાર ખાતે યોજાયેલ આદિવાસી સાંસ્ક્રુતિક કાર્યક્રમમાં સંસ્કૃતિને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો રજૂ થયા હતા. આ કાર્યક્રમમાં વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, ગમનભાઈ ભોયે, એડવોકેટ સુનિલભાઈ ગામીત સહિત આદિવાસી સંઘર્ષ સમિતિનાં આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...