ભગવાન શ્રી રામ, ભ્રાતા શ્રી લક્ષ્મણ, અને શબરી માતાની ચરણરજથી પાવન થયેલી દંડકારણ્યની ભૂમિ ઉપર આરંભાયેલા 'ડાંગ-પ્રયાગ હનુમાન યાગ' નામક હનુમંત યજ્ઞના ભાગરૂપે, તા. 19મી માર્ચને રવિવારે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કુમારબંધ ગામે 11 હનુમાન મંદિરોનો પાંચમો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આયોજિત કરાયો છે. શ્રી રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ-સુરત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં નિમ્બાર્ક તીર્થ, કિશનગઢ, અજમેરના જગદગુરુ નિમ્બાર્કાચાર્ય શ્યામ શરણ દેવાચાર્યના હસ્તે 11 મંદિરોનું લોકાર્પણ કરાશે. આ વેળાએ દાતા પરિવારો દીપ પ્રાગટય કરશે.
કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ ઉપસ્થિત રહેશે. જ્યારે ઉદ્દઘાટક તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત અને ડાંગ કલેક્ટર ડૉ. વિપીન ગર્ગ હાજરી આપશે. મુખ્ય મહેમાન તરીકે મહેશ્વરી ભવન સમિતિના સચિવ સુરેશ તોષનીવાલ, અગ્રવાલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંસ્થાપક ટ્રસ્ટી સુરેશચંદ્ર અગ્રવાલ, વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શકુંતલા પવાર, ગુજરાત પ્રાંતિય મહેશ્વરી સમિતિના ઉપાધ્યક્ષ સુરેશ કાબરા, નિમ્બાર્ક તીર્થના નટવર છાપરવાલ પણ ઉપસ્થિત રહેશે.
ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના પી.પી.સ્વામીની પ્રેરણા અને શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન, સુરતના ગોવિંદ ધોળકિયાના સંકલ્પને સાકારરૂપ આપતો આ કાર્યક્રમ ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં નવી ચેતના જગાવશે. આ હનુમાનજી મંદિર ભકિત, સેવા, અને સ્મરણ સાથે ગામની એક્તા, વ્યસનમુકિત, અને સંસ્કારધામનું ત્રિવેણી તીર્થ બની રહેશે તેવો મનોભાવ વ્યક્ત કરાયો છે.
ઉલ્લેખનિય છે કે, ડાંગ જિલ્લાના તમામે તમામ 311 ગામોમાં હનુમાન મંદિરોના નિર્માણ યજ્ઞના આ પાંચમા તબક્કામાં 11 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, અને લોકાર્પણ કરાશે. આ અગાઉના ચાર કાર્યક્રમમાં 35 મંદિરો પ્રજાર્પણ કરી દેવામાં આવ્યા છે. જ્યારે અન્ય 11 મંદિરો, અને આગામી ટુંક સમયમાં જ છઠ્ઠા તબક્કામાં બીજા 12 મંદિરોના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે સાતમા તબક્કાના મંદિરોનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સને 2018થી શરૂ કરાયેલા આ યજ્ઞ કાર્યમાં આ અગાઉના કાર્યક્રમોમાં મોરારી બાપુ, દેવપ્રસાદજી મહારાજ, રમેશ ઓઝા (ભાઈશ્રી), ગોવિંદ દેવગિરિ મહારાજ સહિતના સંત શિરોમણી, મહાત્માઓ અત્રે પધારી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.