પ્રશાસન સજ્જ:આંતરરાજ્ય અને આંતરિક મળી 13 ચેકપોસ્ટ પર ચાપતી નજર રખાશે

આહવા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભાની વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી

173-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારની યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્ણ પારદર્શકતા સાથે, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમા યોજાય તે માટે જિલ્લાનુ ચૂંટણી પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

ડાંગ જિલ્લા સેવા સદનમાં યોજાયેલી ‘પ્રેસ કોન્ફરન્સ’ને સંબોધતા કલેકટરે જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો રજૂ કરી, સી વિજીલ એપ, હેલ્પલાઇન નંબરો, સ્વીપ એક્ટિવિટી, ગ્રીન મતદાન મથક, મહિલા મતદાન મથક, યુવા મતદાન મથક, પીડબ્લ્યુડી મતદાન મથક, આદર્શ મતદાન મથક, જુદી જુદી સમિતિઓ અને સ્કવોર્ડ જેવી બાબતોની વિગતો રજૂ કરી હતી. કલેકટરે નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે મીડિયાના પ્રતિનિધિઓને પણ સહયોગ આપવાની અપીલ કરી હતી.

દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો અને 4 જેટલી CRPF કંપનીના જવાનો ફરજ નિયુક્ત કરાયા છે તેમ જણાવ્યું હતું. જાડેજાએ દસ જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ અને ત્રણ જેટલી આંતરિક ચેકપોસ્ટ મળી કુલ 13 જેટલી ચેકપોસ્ટ નિયત કરવામા આવી છે તેમ જણાવી, જિલ્લામા અનઅધિકૃત હેરાફેરી ઉપર પણ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે તેમ ઉમેર્યું હતુ.

સોશિયલ મીડિયા, ફેક ન્યુઝ જેવી બાબતોએ પણ વિશેષ તકેદારી દાખવવામા આવી રહી છે તેમ પણ પોલીસ અધિક્ષકે ઉમેર્યું હતું. બેઠક દરમિયાન ખર્ચના નોડલ ઓફિસર એવા જિલ્લા વિકાસ અધિકારી ડો.વિપિન ગર્ગે તેમની કામગીરીની બાબતો રજૂ કરી હતી. આ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ.ડી. ચૌધરી, ડાંગ જિલ્લામા કુલ 335 જેટલા મતદાન મથકો પર 1 લાખ 93 હજાર 257 મતદારો સહિત 41 જેટલા સેવા મતદારો મળી કુલ 1 લાખ 93 હજાર 298 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

અન્ય સમાચારો પણ છે...