દમણમાં એનજીઓના એક્ઝિકયુટિવનો સ્વાંગ રચીને દાન અને ફાળો ઉઘરાવવાના બહાને બિલ્ડિંગમાં પ્રવેશ કરીને બંધ મકાનમાંથી ચોરી કરનાર બે યુવકને પોલીસે ઝડપી લીધા હતા. નાનીદમણના એક બિલ્ડિંગમાં તાળું તોડવાનો પ્રયાસ કરતા સ્થાનિક રહીશની નજર પડતા બંને ચોર પકડાયા હતા. બંને યુવકોએ ભૂતકાળમાં મુંબઇ અને રાજસ્થાનમાં અનેક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસે આરોપી પાસેથી ટ્રસ્ટની ડોક્યુમેન્ટ ફાઇલ, ફાળાની રસીદ બુક અને બાળકોના ફોટોગ્રાફ અને લોક તોડવાના છીણી જેવા હથિયાર કબજે લીધા છે.
નાનીદમણના તીનબત્તી સ્થિત પરિશ્રમ એપાર્ટમેન્ટમાં મંગળવારે બપોરે દોઢ વાગ્યે બે અજાણ્યા યુવકો રિદ્ધિ સિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટના નામના દસ્તાવેજ સાથે બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા. ટ્રસ્ટ દ્વારા અનાથ બાળકોની સેવાકીય પ્રવૃતિ કરવામાં આવી રહી છે જેના માટે ફાળો ઉઘરાવી રહ્યા હોવાનું જણાવીને બિલ્ડિંગમાં ગયા હતા. જોકે, બિલ્ડિંગમાં તક મળતાં જ એક બંધ મકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરવા જતા સ્થાનિક રહીશે જોઇ લેતા પોલીસને જાણ કરી હતી તાત્કાલિક પોલીસ પહોંચીને બંને યુવકને ઝડપી લીધા હતા.
જેમાં તેમની ઓળખ મુંબઇ અંધેરી સ્થિત કરામતભાઇની ચાલીમાં રહેતા વિનોદ કિશન પરમાર અને પપ્પુકુમાર ચોખાજી મીણા રહે. 173, કડિયા, દંતારડી, ઉદયયુપર - રાજસ્થાન તરીકે થઇ હતી. પોલીસે તેમની પાસેથી રિદ્ધિ સિદ્ધિ ચેરિટેબલ ટ્રસ્ટના ડોક્યુમેનટ, ફંડ-ફાળાની રસીદ બુક અને ટ્રસ્ટના નામે નાના બાળકોના પડાવેલા ફોટા સહિત તાળાં તોડવાના સાધનો કબજે લીધા હતા. આ બંને યુવકો રીઢા ચોર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે, જેમણે ભૂતકાળમાં મુંબઇ અને રાજસ્થાનમાં અનેક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
સારી સંસ્થાનો કર્મી હોવાનો દેખાડો કરે
ચોરીના ગુનાના બંને રીઢા આરોપી સાફ સુથરા કપડા અને ઓફિસિયલ લૂકની સાથે સંસ્થા અથવા ટ્રસ્ટના પેપરની સાથે બિલ્ડિંગમાં પ્રવેશ કરે છે. બિલ્ડિંગમાં એક ફલેટ અથવા તો મકાનને ટાર્ગેટ કરીને ચોરી કરે છે. જો ચોરીના પ્રયાસમાં પકડાય જવાનો ડર હોય તો સંસ્થા અથવા ટ્રસ્ટના ડોક્યુમેન્ટ બતાવીને તેઓ સારા કાર્ય કરવા માટે આવ્યા હોવાનું જણાવે છે.
જન સુરક્ષા અભિયાનમાં 24 બિટ બનાવી
ચોરી સહિત અન્ય ગુનાહિત પ્રવૃતિને અટકાવવા માટે સંઘપ્રદેશ દમણ પોલીસે પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શનમાં ડીઆઇજીપી વિક્રમજીતસિંગની સૂચનાથી જન સુરક્ષા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરેક નાગરિકથી સુરક્ષા અર્થે દમણના ત્રણ પોલીસ સ્ટેશનની કુલ 24 બીટ પોસ્ટ બનાવી છે. આ બીટ પોસ્ટના માર્ગો ઉપર જેતે બીટના અધિકારી, સ્ટાફના ફોન નંબર સાથે હોર્ડિગ્સ અને બોર્ડ લગાવવામાં આવ્યા છે જેથી કરીને તાત્કાલિક લોકો પોલીસનો સંપર્ક કરી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.