દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આવેલી બચકરિયા નદી ઉનાળાના પ્રારંભે જ સુખીભઠ બની છે. તેના કારણે ભોજેલાથી માંડીને છેક સરણિયા સુધી 10 કિમી નદી વિસ્તારમાં આવતાં 16 ગામોમાં પાણીની ભારે સમસ્યા સર્જાઇ રહી હોવાની બૂમો ઉઠી હતી. ખાસ કરીને પાણીના અભાવે આ 16 ગામની 600 હેક્ટર જમીન પાણીના અભાવને કારણે ઉનાળામાં વેરાન બની રહી હતી.
તાલુકાના ભોજેલા પાડલીયા, બાચકરિયા, આસપુર, રૂપાખેડા, સરસ્વા, નિંદકા, ભાટમુવડી, આમલીખેડા, સાલિયાટા, બલૈયા, બાવાની હાથોડ, બરિયાની હાથોડ, કંકાસિયા, સરણિયા મળી કુલ 16 ગામમાં ભર ઉનાળામાં જ પાણીની સમસ્યાના પોકાર પડી રહ્યા હતાં. પાણી હોય તો ખેડુતો ઉનાળુ મકાઇનો પાક લેવા સાથે કંઇ નહીં તો ઘાસચારો કરે તો પશુનું નિર્વાહ કરવાની સમસ્યા દૂર થાય તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી.
ફતેપુરા તાલુકાના સુખસર ભોજેલા ગામથી પસાર થતી કડાણા દાહોદ ઉદ્વહન સિંચાઈ યોજના અંતર્ગત માત્ર જવેસી, મારગાળા, લખનપુર, અને દાહોદને જ હાલમાં પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે ભોજેલામાં આવેલું વાલ્વ ખોલવામાં આવે તો બચકરિયા નદી નીરથી છલકાવી સરળ હતી.
16 ગામના લોકોની પીડાનો આ મુદ્દો દિવ્ય ભાસ્કરે પણ પ્રમુખતાથી ઉપાડ્યો હતો.ત્યારે તંત્ર દ્વારા ગુરુવારના રોજ સુકીભઠ પડેલી બચકરિયા નદીમાં પાણી છોડવામાં આવતાં ખેડુતોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. પાણી છોડવા સાથે જ કેટલાંક લોકો પમ્પ મુકીને ખેતી કામમાં જોતરાઇ ગયેલા જોવા મળ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.