ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે રહેતા રમેશભાઈ વાઘજીભાઈ મછાર તથા તેમના પત્ની વર્ષાબેન અને છ વર્ષીય પુત્રી રાજેશ્વરીબેન શનિવારના રોજ સુખસર ખાતે ઘર સામાન લેવા ગયા હતા. જ્યાંથી રેકડામાં બેસી પરત ઘરે આવી રહ્યા હતા અને સુખસરથી નાની ઢઢેલી તરફ જતા માર્ગ ઉપર નાના બોરીદા ગામે રેકડા માંથી ઉતર્યા હતા. તેવા સમયે રમેશભાઈ મછાર રેકડા વાળાને ભાડું આપી રહ્યા હતા. જ્યારે પુત્રી રાજેશ્વરી બેનને તેની માતા વર્ષાબેન રસ્તાની સાઈડમાં હાથ પકડીને ઉભેલા હતા.
ત્યારે નાની ઢઢેલી તરફથી આવતી તુફાન ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં તેની માતાનો હાથ પકડી ઉભેલી બાળકી રાજેશ્વરી બેનને અડફેટમાં લીધી હતી. જેમાં રાજેશ્વરીને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. અને ઘટનાસ્થળે જ તેનું મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.
અકસ્માત થતાં આસપાસમાંથી લોકો દોડી આવતા તુફાન ગાડીનો ચાલક તેના કબજાની ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. અકસ્માત સંદર્ભે મૃતકના માતા વર્ષાબેન રમેશભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે અકસ્માત કરી નાસી ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.