સીંગવડ ગ્રામ પંચાયત ભવન ખાતે ઉગ્ર રજૂઆતો વચ્ચે બુધવારે વર્ષની પ્રથમ ગ્રામ સભા યોજાઇ હતી. જેમાં નગરમાં પીવાના પાણીની વ્યવસ્થા, જલ સે નલ યોજનાઓનું તટસ્થ અમલીકરણ, ગ્રામ સફાઇ - સ્વચ્છતા અને ગટર લાઈન, પંચાયતની દુકાનોનું બાકી લેણું તેમજ બાકી વેરાની વસૂલાત જેવા વિવિધ અગત્યના મુદ્દાઓ પર ભારે ભાર મુકી ચર્ચાઓ તેમજ ઉપસ્થિત ગ્રામજનો ગ્રામ સભામાં પંચાયતના સરપંચ સહિત વહીવટી તંત્રને ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી.
સીંગવડ ખાતે ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ ગ્રામ સભા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લખીબેન બાલુભાઈ વહુનીયા, ડેપ્યુટી સરપંચ પંકજભાઇ પ્રજાપતિની અધ્યતામાં યોજવામાં આવી હતી. ગ્રામ સભામાં મોટી સંખ્યામાં આગેવાનો, સભ્યો, અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહીને વિસ્તારના વિવિધ પ્રાથમિક સુવિધાઓ ને લગતા પ્રશ્નોને લઈને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી.
સીંગવડ ગામમાં પીવાના પાણીના બગાડના કારણે નીચવાસ બજાર માતાજીના મંદિર પાસે તેમજ ઠેરઠેર દેખાતા ગંદકીના ઢગલા તેમજ કચરાના નિકાલ માટે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. તંત્ર દ્વારા હવે સફાઇ માટે આગામી સમયમાં ગામમાં સ્વચ્છતા ને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાની પણ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીએ જણાવ્યું હતું. મુખ્ય માર્ગો પર નવીન ગટરલાઈન સ્થાપવામાં આવનાર હોવાનું પણ જણાવવામાં આવ્યું. સીંગવડ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં વિકાસલક્ષી મુદ્દાઓ પર ભાર આપી આગામી દિવસોમાં યોગ્ય નિર્ણય કરી ગામને વિકાસની દિશામાં લઇ જવા માટે ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.