સંજેલી ગ્રામ પંચાયતના સફાઇ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા ત્રણ માસનો પગાર બાકી હોવાથી સાત દિવસથી હડતાલ પર ઉતર્યા અને પંચાયત પાસે પગારની માંગણી કરતા વેરો અને ગ્રાન્ટ નથી તેવો જવાબ આપી હાથ અદ્ધર કરી લેતા સફાઇ કર્મચારીઓએ પગારની માગ સાથે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. હાલ સંજેલી ગ્રામ પંચાયતમાં 32 જેટલા સફાઈ કર્મચારીઓ દરરોજ વહેલી સવારે મુખ્ય માર્ગો અને ફળિયે ફળિયે સફાઈ કરી પંચાયતમાંથી પગાર મેળવે પરિવારની રોજી રોટી મેળવતા હોય છે.
પરંતુ છેલ્લા ચાર પાંચ વર્ષથી પંચાયતનું વહીવટી તંત્ર ખાડે ગયું હોઇ સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ન મળતા વારંવાર હડતાળ પર ઊતરવું પડે છે અને જેના કારણે નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળે છે. હાલ રક્ષાબંધન શ્રાવણ માસ સહિતના તહેવારો પણ ચાલી રહ્યા છે. પંચાયતમાં વારંવાર ધક્કા ખાવા છતાં પણ પંચાયતમાં વેરો નથી અને આવક નથી તેવી સરપંચ તલાટી અને કર્મચારીઓની વાતો સાંભળી અને કર્મચારીઓને પગારના પૈસા લીધા વિના વિલા મોંઢે પરત ઘરે જવું પડે છે.
આખરે કંટાળીને સાત દિવસથી સફાઈ કર્મચારીઓએ પગારની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. તેમ છતાં પણ પંચાયત તંત્ર દ્વારા પગાર ચૂકવવાની કોઈ કાળજી કે ગામમાં સફાઈ કરાવવાની કાળજી ન લેતા આખરે કંટાળેલા 32 જેટલા સફાઈ કર્મચારીઓએ શનિવારે તાલુકા મહેસુલી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી વહેલી તકે પગાર ચૂકવવામાં આવે તેમજ પગાર સમયસર ચુકવવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.