દાહોદના મર્ડર કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ:યુનુસ કતવારાવાલાનો હત્યારો ઝડપાયો, વાહન હટાવવા મામલે નહિ પરંતુ સોપારી આપી હોવાથી કૃત્ય આચર્યુ હોવાનો ખુલાસો

દાહોદએક મહિનો પહેલા
  • હત્યારો મુસ્તુફા ઝડપાયો, મોહમ્મદ ઉર્ફે જુઝર લોખંડવાલાએ રૂપિયા 10 લાખની સોપારી આપી
  • મોઇન પઠાણ સાથે મળીને કાવતરું રચાયું, મહિના પહેલા જ યુનુસને પતાવી દેવાનું નક્કી થયું હતું
  • ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાની હતી, જેથી મોઇન અને મોહમ્મદનું ક્યાંય નામ ન આવે

દાહોદ શહેરના એમ.જી. રોડ પરના કુકડા ચોક ખાતે થોડા દિવસો પહેલા જાહેરમાં થયેલા એક વ્હોરા સમાજના યુવકની હત્યા મામલે સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે દાહોદ શહેર પોલીસ સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ગુનાનો ભેદ ઉકેલી નાખવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસે આરોપી હત્યારાને ગોધરાથી તેના મામાને ત્યાંથી ઝડપી લીધો છે.

આ હત્યા વાહન હટાવવા મામલે નહીં પરંતુ યુવકને મોતને ઘાટ ઉતારવા માટે હત્યારાને સોંપારી અપાઈ હોવાની પોલીસ સમક્ષ ઝડપાયેલા આરોપીએ કબુલાત કરતાં ચકચાર મચી ગઇ હતી. હાલ મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે, ત્યારે આ ગુનામાં કુલ ચાર ઈસમોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ગત તા. 21મી મેના રોજ યુનુસ અકબરભાઈ કતવારાવાલા પોતાની મોરસાઈકલ લઈ દાહોદના એમ.જી. રોડ ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં. તેમજ તે સાથે તેમની પાછળ પાછળ મુસ્તુફા સાકીર ઉર્ફે બાદશાહ શેખ પસાર થઈ રહ્યો હતો અને પ્રથમ તબક્કે વાહન હટાવવા મામલે રકઝક થઈ હતી. જેથી આવેશમાં આવેલા મુસ્તુફાએ યુનુસને પોતાની સાથે લાવેલા ઉપરા છાપરી ચપ્પુના ઘા માથાના ભાગે માર્યા હતા, તેમજ શરીરે માર માર્યો હતો. જેથી યુનુસભાઈ સ્થળ પર જ ઢળી પડ્યા હતા અને હોસ્પિટલ લઈ જતાં પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

મુસ્તુફા ગોધરાથી તેના મામાના ત્યાંથી ઝડપાયો
ઘટનાને અંજામ આપી આરોપી મુસ્તુફા ફરાર થઈ ગયો હતો. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડવા ધરપકડના ચક્રો ગતિમાન કરતાં આજે મંગળવારના રોજ આરોપી મુસ્તુફાને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડવા વિસ્તારના સીસીટીવી ફુટેજની ચકાસણી હાથ ધરી હતી અને અલગ અલગ ટીમો પણ બનાવી હતી. મળેલી બાતમીના આધારે ગોધરા ખાતેથી તેના મામાને ત્યાંથી ઝડપી પાડી દાહોદ પોલીસ મથકે લાવી આરોપી મુસ્તુફાની પુછપરછનો ધમધમાટ શરૂ કરાયો હતો.

મોહમ્મદે રૂપિયા 10 લાખની સોપારી આપી હતી
પ્રથમ તબક્કે આરોપી મુસ્તુફા આ બનાવ આકસ્મિક બન્યો હોવાનું રટણ કરતો હતો. ઉશ્કેરાઈ જઈ ચપ્પુના ઘા મારી દીધા હોવાનું પણ કહેતો હતો. પરંતુ પોલીસને આ વાત ગળે ન ઉતરતાં અને આવી નજીવી બાબતે કોઈ અન્યનું ખુન ન કરી શકે તેવી વાત સાથે પોલીસે આરોપી મુસ્તુફાની ઝીણવટભરી રીતે પુછપરછ કરતાં મુસ્તુફા ભાંગી પડ્યો હતો અને મુસ્તુફાને પૈસાની જરૂર હોવાથી તેના મિત્ર મોઈન હમીદખાન પઠાણને બે અઠવાડીયા અગાઉ કામ આપવા બાબતે વાત કરી હતી. મોઈન પઠાણે તેના મિત્ર મોહમ્મદ ઉર્ફે જુઝર ઈસ્માઈલભાઈ લોખંડવાલા સાથે વાત કરી હતી કે જેણે મૃતક યુનુસભાઈ સાથેની તેની જમીની લેવડ દેવડમાં તેના ઉપર કોર્ટ મેટર દાખલ કરી હતી. તેમજ યુનુસ જોડે ચાલતા બીજા અન્ય ગુનાઓથી પોતે છુટકારો મેળવવા માંગતો હોવાથી મોહમ્મદ લોખંડવાલાની ઓફિસમાં 10 લાખ રૂપિયાની સોપારી આપવાનું નક્કી થયું હતું.

જો કે છેવટે યુનુસને મોતને ઘાટ ઉતાર્યો હોવાની આરોપી મુસ્તુફાએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. હવે પોલીસ મોઇન પઠાણ, મોહમ્મદ લોખંડવાલા અને કાળુ ઉર્ફે ફહદ રઇશ રીઝવીને પણ શોધી રહી છે. આ ત્રણેય ઝડપાય ત્યારે વધુ રહસ્યો પરથી પરદો ઉંચકાશે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે.

કોઇ નિર્દોષનો પણ જીવ જઇ શક્યો હોત
સૌથી આશ્ચર્યની બાબત તો એ છે કે મુસ્તુફા શેખ યુનુસ કતવારાવાલાના કોઇ પરિચયમાં જ ન હતો. તેને જે પ્રમાણે સુચના મળતી હતી તે પ્રમાણે તે અનુસરતો હતો. કારણ કે કાળુ ઉર્ફે ફહદ રીઝવી છેલ્લા 4 દિવસથી રેકી કરતો હતો. મુસ્તુફા અને કાળુ વચ્ચે એવું નક્કી થયેલું હતું કે યુનુસ નીકળે ત્યારે કાળુ ફોન કરે તો સમજવું કે યુનુસ નીકળ્યો છે. જો કાળુ પેન્ટના ગજવામાં હાથ નાખે તો સમજવું કે હવે યુનુસ આ તરફ જઇ રહ્યો છે. ત્યારે જે દિવસે ઘટના બની ત્યારે કુદરતી રીતે જ યુનુસે રસ્તો બદલી નાખ્યો અને છેવટે કુકડા ચોકમાં તેની હત્યા મુસ્તુફાએ કરી નાખી હતી. આ પહેલાં યુનુસની હત્યા કરવાના પ્લાન મુજબ યુનુસના ઘર પાસે હુસેની મસ્જીદ આગળ જ તેની હત્યા કરવાનું નક્કી કરાયું હતું. આમ જો મુસ્તુફા ઓળખવામાં થાપ ખાઇ જતો તો નિર્દોષનો જીવ પણ જઇ શક્યો હોત.

મહિના પહેલાં નક્કી થયું હતું કે યુનુસને પતાવી દેવાનો, પરંતુ મુસ્તુફાનું જ નામ આવે
છેલ્લા કેટલાયે વર્ષોથી યુનુસ અને મોહમ્મદ ઉર્ફે જુઝર વચ્ચે જમીન સંબંધી વિવાદો ચાલતા હતા, કોર્ટ મેટરો પણ ચાલી રહી છે. ત્યારે મોહમ્મદે એક મહિના પહેલા જ નક્કી કરી નાખ્યું હતું કે યુનુસને પતાવી નાખવાનો છે. જેથી તેણે માણસની શોધખોળ ચાલુ કરી હતી અને મોઇન પઠાણનો સંપર્ક કરી મદદ કરવા જણાવ્યું હતું. જેમાં આખીયે ઘટનામાં જે હત્યા કરવા જાય તેનું જ નામ આવે અને અકસ્માતમાં ખપાવી દેવામાં આવે જેથી મોહમ્મદ અને મોઇન કોઇ જગ્યાએ કાયદાની પકડમાં આવે નહી.

મુસ્તુફા પાસે પૈસા નહોતા અને ડોન બનવું હતું
પોલીસના જણાવ્યા પ્રમાણે મુસ્તુફા શેખના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. તે મહિને 6200 રૂપિયામાં લેબોરેટરીમાં નોકરી કરતો હતો. જેથી તેને પૈસા પણ કમાવા હતા અને તેના મગજ પર ડોન બનવાનું ભુત સવાર થયેલું હતું. આ ઘટનાને અકસ્માતમાં ખપાવી દેવાની અને ત્યાર પછી જ્યારે જેલમાંથી બહાર આવે તો ભાઇગીરી કરવાનું તેણે વિચાર્યુ હતું. પરંતુ કાયદાની પકડમાં આવી જતાં ભર યુવાનીમાં જ મુસ્તુફાનું જીવન હવે કઇ દિશામાં જશે તે અનિશ્ચિત છે.

10 લાખ નક્કી તો થયા પણ કાણી પાઇ મળી નહી
યુનુસને પતાવી દેવા માટે મુસ્તુફાને મોહમ્મદે રૂપિયા 10 લાખની સોપારી આપવાનું નક્કી કર્યુ હતું. પરંતુ આ કામ પેટે કે એડવાન્સ પેટે મુસ્તુફાને કાણી પાઇ પણ મળી નથી. કારણ કે એવું નક્કી થયું હતું કે જ્યારે મુસ્તુફા જેલમાં જશે ત્યારે તેના પરિવારને મોહમ્મદ અને મોઇન આર્થિક મદદ કરશે અને જ્યારે તે જેલમાંથી બહાર આવશે ત્યારે નીકળતા પૈસા આપવામાં આવશે. બીજી તરફ મોહમ્મદ મોઇન પાસે 50 હજાર માંગતો હોવાથી આ રકમ એડવાન્સ પેટે ગણી લેવામાં આવી હતી. જેથી મુસ્તુફાના હાથમાં કાણી પાઇ પણ આવી નથી અને હવે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે.

હત્યામાં વપરાયેલી છરી પણ મોઇનના ઘરે રાખી હતી
યુનુસ કતવારાવાલાની હત્યા છરીના ઉપરા છાપરી ઘા મારીને કરવામાં આવી હતી. આ છરી લાવ્યા પછી મુસ્તુફાએ તે છરી પોતાના ઘરે રાખવાનો ઇનકાર કર્યો હતો અને તે છરી મોઇનના ઘરે રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાના દિવસે જ આ છરી મુસ્તુફાએ મોઇન પાસેથી લીધી હતી.

પડદા પાછળ પાંચમો કોણ છે?
હાલ દાહોદ પોલીસે યુનુસની હત્યાના પ્રકરણમાં ત્રણ નામ ખોલી દીધા છે. કાળુ ઉર્ફે ફહદનું નામ પણ આપોઆપ જ સામે આવી ગયું છે. ત્યારે પોલીસને આ પ્રકરણમાં પડદા પાછળ કોઇ પાંચમો ભેજાબાજ હોવાની શંકા છે. ત્યારે આ ભેજાબાજના કાવતરાખોરો સાથેના કનેક્શન, ટ્રાન્જેક્શન વગેરે ચકાસીને જો તેમાં કોઇ જોડતી કડી મળશે તો પાંચમો ભેજાબાજ પણ પોલીસના સકંજામાં આવશે તેમ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

ભરબજારમાં હત્યાને કેવી રીતે અંજામ અપાયો
મોહમ્મદ લોખંડવાલા

સોપારી આપનાર
સોપારી આપનાર

​​​​​​​​​​​​​​યુનુસની હત્યા માટે 21મેના રોજ 10 લાખની ડીલ મોઇન સાથે કરી
જમીન સબંધી લેવડ દેવડમાં ચેક બાઉન્સ સહિત વિવિધ પ્રકારના કેસ યુનુસે કોર્ટમાં કરી રાખ્યાની દાઝમાં આ સોદો કરાયો હતો. મોઇનને આપેલા ઉધાર 50 હજાર સોપારીના બાના પેટે માફ કર્યા. ડીલ બાદ મોઇનનો ે ફોન પર નહિં રૂબરૂ જ સંપર્ક કરતો.

મોઇન પઠાણ

સોપારી લેનાર
સોપારી લેનાર

10મુ ધોરણ પાસ મવડોદરાની રિકવરી એજન્સીમાં કામ કરે છે.. બિલ્ડર લોખંડવાલા સાથે હત્યા માટે 10 લાખ રૂપિયાની સોપારીની ડીલ કરી. ત્યાર બાદ મુસ્તુફા શેખને હત્યાનું કામ સોંપ્યુ હતું. બાઇક અથડાવી હત્યાનું કાવતરૂ રચ્યુ. પકડાય તો કેસ લડવાનો તમામ ખર્ચ અને દર મહિને ઘરે રૂા.પહોંચાડવાનું નક્કી કર્યુ

​​​​​​​કાળુ ઉર્ફે ફહદ રિઝવી​​​​​​​​​​​​​​

રેકી કરનાર
રેકી કરનાર

ધોરણ 12માં હાલમાં નાપાસ. કાળુની મુસ્તુફા સાથે મિત્રતા હતી. મુસ્તુફા યુનુસભાઇને ઓળખતો ન હતો. જેથી તેણે રૂપિયાની લાલચ આપીને કાળુને તેની રેકી કરવાનું કામ સોંપ્યુ હતું. કાળુ સવારથી જ હમીદી મહોલ્લામાં જતો. યુનુસ બાઇક લઇને નીકળે તેમની રેકી કરીને વિગતો મુસ્તુફાને આપતો હતો.

મુસ્તુફા શેખ

હત્યા કરનાર
હત્યા કરનાર

લેબોરેટરીમાં મહિને ~6500 પગારે કામ કરતો 12 મુ ધોરણ પાસ છેલ્લા ત્રણ ચાર દિવસથી તે મિત્ર કાળુ ઉર્ફે ફહદ પાસેથી યનુસ કતવારાવાલની માહિતી મેળવવા સાથે પોતે પણ રેકી કરતો હતો. શનિવારે લેબની રજા હોવાથી તે સવારથી ચાકુ લઇને પાછળ પડ્યો હતો અને તક મળતાં યુનુસભાઇની હત્યા કરી નાખી હતી.

તબીબ પૂત્રે રેકી કરી કેરિયર ખલાસ કર્યુ
યુનુસભાઇની રેકીનું કામ ઉપાડનાર કાળુ ઉર્ફે ફહદ રિઝવીના પિતા વ્યવસાયે તબીબ છે. ફહદ પણ તબીબ બને તે માટે તેને સાયન્સ અપાવ્યુ હતુ. પરંતુ તે નાપાસ થયો હતો. કોઇ આર્થિક સમસ્યા ન હોવા છતાં ખોટી સંગતમાં તેણે પોતાનું કેરિયર ખલાસ કરી નાખ્યુ હતું.

મહોમ્મદ અને યુનુસ વચ્ચે શું વિવાદ હતો ?
દાહોદ પાર્વતી નગરની જમીન મામલે યનુસ અને મહોમ્મદ વચ્ચે છ વર્ષથી વિવાદ ચાલતો હતો. મહોમ્મદે યુનુસભાઇને આપેલો 12 લાખનો ચેક બાઉન્સ થયો હતો. જેથી યનુસભાઇએ કોર્ટમાં 138 મુજબનો કેસ કર્યો હતો.રૂપિયા મુદ્દે બંને વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને તેમાં એકબીજા સામે પોલીસમાં અરજીઓ પણ અપાતી હતી. આ સિવાય પણ કેટલીક મિલ્કત મામલે વિવાદની ચર્ચાઓ ચાલી રહી છે.

મારામારીના કેસમાં મહોમ્મદને સજા થઇ
જમીન દલાલ યુનુસ કતવારાવાલાએ થોડા સમય પહેલાં બિલ્ડર મહોમ્મદ લોખંડવાલા સામે મારમારી સબંધિ કેસ દાખલ કર્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં હત્યાના ચાર દિવસ પહેલાં જ તેનો ચુકાદો આવ્યો હતો. તેમાં મહોમ્મદને સજા થઇ ગઇ હતી. આમ તો એક માસ પહેલાં જ સોપારીની ડીલ થઇ ગઇ હતી. પરંતુ ત્યાર બાદથી યુનુસને મારી નાખવાની મુહીમને તેજ બનાવી દેવાઇ હતી.

મહોમ્મદને પત્ની પણ છોડીને જતી રહી હતી
મૂળ રાજસ્થાનના અને સાસરી હોવાથી દાહોદ વસેલા મહોમ્મદ લોખંડવાલા શરૂઆતમાં બિલ્ડર તરીકે રૂપિયા બનાવ્યા હતાં. મહોમ્મદના અવ્યવસ્થિત જીવનથી કંટાળીને તેની પત્નીએ પણ છોડી પૂત્રીઓને પણ સાથે લઇ ગઇ હતી. તેમ પત્નીએ કોર્ટમાં છુટ્ટાછેડાની અરજી પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...