ભાદરવો ભરપૂરના એંધાણ:દાહોદ જિલ્લામાં વાવાઝોડા સાથે સાર્વત્રિક વરસાદ : 3 પશુના મોત

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં 1 ઇંચ, ગરબાડામાં પોણો ઇંચ વરસાદથી ઠંડક
  • સિંગવડ તાલુકામાં શનિવારે મોડી સાંજે વીજળી પડી : ગરબાડામાં વૃક્ષ ધરાશાયી

દાહોદ જિલ્લામાં શનિવારે વરસાદ, વીજળી અને વાવાઝોડાએ આફત સર્જયા બાદ રવિવારના રોજ પણ આખા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ગરબાડામાં વાવાઝોડાથી વૃક્ષ ધરાશાયી થયુ હતુ તો દાહોદ શહેરમાં એક ઇંચ અને ગરબાડા તાલુકામાં પોણા ઇંચ વરસાદથી ઠંડક પ્રસરી ગઇ હતી. રવીવારે સિંગવડ તાલુકામાં માત્ર છાંટા નોંધાયા હતા પરંતુ શનિવારની મોડી સાંજે વીજળી પડતાં ત્રણ પશુ મોતને ભેંટ્યા હતાં. જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ બન્યા બાદ હજી વરસાદનો વર્તારો વર્તાઇ રહ્યો હતો.

દાહોદ જિલ્લામાં રવીવારના રોજ સવારથી વાતાવરણમાં બફારાનો અનુભવ થઇ રહ્યો હતો. ત્યારે બપોર બાદ એકાએક પલટાયેલા વાતાવરણને કારણે કાળાડિંબાંગ વાદળો આકાશમાં ગોરંભાઇ ગયા હતાં. દાહોદ શહેરમાં ટુકડે-ટુકડે બે વખત ધોધમાર વરસાદ પડ્યો હતો. અહીં દિવસ દરમિયાન એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ગરબાડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. ગરબાડામાં વાવાઝોડા સાથ વરસાદ થતાં નેશનલ હાઇવે ઉપર એક વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું.જિલ્લાના પાંચ તાલુકાઓમાં પણ 5થી માંડીને 8 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો.

જેમાં રવિવારે સિંગવડ અને સંજેલી તાલુકામાં માત્ર છાંટા જ પડ્યા હતાં. શનિવારની સાંજે સિંગવડ તાલુકામાં વાવાઝડા સાથે 40 મીમી વરસાદ થયો હતો ત્યારે આ દરમિયાન વીજળી પડતાં તારમી ગામે રહેતા બારીયા સુરેશભાઈ મનસુખભાઈનો એક બળદ અને ભુરીયા લાલાભાઇ જેસીંગભાઇની ગાય અને વાછરડો એક મળી કુલ ઘર નજીક ચરતાં બે પશુ મોતને ભેંટ્યા હતાં. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એ. વી ચૌહાણ અને પશુ આરોગ્ય અધિકારી દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ હતી. રવિવારના રોજ થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ગરબાડામાં ગત વર્ષ કરતાં 10થી 12% ઓછો વરસાદ
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં ગુજરાત અને દાહોદ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. ગરબાડા તાલુકામાં સીઝનનો કુલ 386 મી.મી વરસાદ વરસી ચુક્યો છે. પાટાડુંગરી ઠક્કર બાપા સરોવર આ વર્ષે હજુ 47 % જેટલો જ પાણીનો સંગ્રહ થયો છે. ગતવર્ષ કરતા આ વર્ષે તાલુકામાં 10 થી 12 ટકા વરસાદ ઓછો વરસતા ઘણા તળાવમાં પાણીનો સંગ્રહ ઓછો થયો છે.

સાજીવાવમાં મહિલા પર વીજળી પડતાં મોત
શહેરા તાલુકામાં વરસાદ સાથે ભારે પવન સાથે વીજળી પણ થઈ રહી છે. નવી વસાહત સાજીવાવના પટેલિયા ધનીબેન બીજલભાઇ જંગલમાં ભેંસો ચરાવી રહ્યા હતા. ત સમયે વીજળી પડતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ભેંસો ચરાવતા લોકોઅે શહેરા રેફરલ ખાતે ખસેડ્યા હતા. જેમાં શહેરા રેફરલ હોસ્પિટલના તબિબ દ્વારા તપાસ કરતા મૃત્યુ તેઓને જાહેર કરવામાં આવ્યા હતા.

ગોધરા, મોરવા(હ) અને ઘોઘંબામાં વરસાદી ઝાપટાંથી ઠંડક પ્રસરી : શનિવારે વીજળી પડવાથી 1 મહિલા-3 પશુઅોનાં મોત
પંચમહાલ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વિજળી ના કડાકા સાથે ફક્ત વરસાદી ઝાંપટાઅોથી રોડ ભીનાં થયા હતા. પણ વિજળીઅોના કડાકા સાથે વરસાદી માહોલમાં અાકાશી વિજળી પડતાં શનિવારે અેક મહિલા સાથે ત્રણ પશુઅોના મોંત થયા હતા. શનિવારે શહેરા તાલુકાના સાજીવાવ ગામ રહેતા 55 વર્ષીય ધનીબેન બીજલભાઇ પટેલીયા સવારે જંગલમાં ઢોરો ચરાવવા ગયા હતા. તે દરમ્યાન અાકાશી વિજળી ધનીબેન ઉપર પડતાં તેઅોનું સારવાર દરમ્યાન મોંત થયું હતું.

જયારે ગોધરા તાલુકાના અેરડીં ગામે પુષ્પસિંહ પર્વતસિંહ બારીઅાના બે બળદ ઉપર કુદરતી વિજળી પડતાં મોંત થયા હતા. તેમજ મોરવા(હ) તાલુકાના મેખર ગામે લીમડા ઝાડ નજીક બાંધેલી ભેંસ ઉપર વિજળી પડતાં ભેંસનું મોત નિપજયું હતું. રવિવારે બપોરે ગોધરા, મોરવા(હ) તથા ઘોઘંબામાં વિજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં મોરવા(હ) તાલુકામાં 15 મિમી, ઘોઘંબા તાલુકામાં 8 મિમી તથા ગોધરા તાલુકામાં 3 મિમી વરસાદ નોધાયો હતો. હવામાન વિભાગ દ્વારા અાગામી ત્રણ દીવસ ભારે વરસાદની અાગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...