ગુજરાતમાં ભાજપની સરકાર બનવાની છે અને મુખ્યમંત્રી પણ નક્કી થઇ ચુક્યા છે. ત્યારે હવે કોને કોને મંત્રી મંડળમાં સમાવાશે તેની ગરમાગરમ ચર્ચાઓ શરુ થઇ ચુકી છે.ત્યારે દાહોદ જિલ્લામાં પણ વિવિધ અટકળો સાથે કાર્યકરોમાં પણ કાનાફૂસી થઇ રહી છે.કોઇકને તો સ્થાન મળશે તેવો આશાવાદ કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.કારણ કે જિલ્લાએ જીતાડીને 6 કમળ ગાંધીનગર મોકલ્યા છે.
જશવંતસિંહ સાસંદ બનતા બચુભાઇ ખાબડને મંત્રી બન્યા, સરકાર બદલાતા રમેશ કટારા દંડક બન્યા
દાહોદ જિલ્લામાંથી વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર ગુજરાત સરકારમાં રાજ્યમંત્રી રહી ચુક્યા છે.ત્યાર બાદ તેઓ 2014માં સાંસદ તરીકે ચુંટાતા દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઇ ખાબડને રાજ્યમંત્રી બનાવાયા હતા.તેઓ આનંદીબેન પટેલ અને વિજય રુપાણીની સરકારમાં રાજ્યમંત્રી રહી ચુક્યા છે.ત્યાર બાદ ભાજપે જંગ 2022 પહેલાં જ આખુયે મંત્રી મંડળ બદલી નાખ્યુ હતુ.ત્યારે બચુભાઇ ખાબડે પણ રાજીનામું આપી પડયુ હતુ.ત્યાર બાદ ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને ભુપેન્દ્ર પટેલ સરકારમાં દંડક બનાવાયા હતા.
આદિવાસી કોટામાંથી મંત્રી સ્થાન મળશે કે ઓબીસી કોટામાંથી?
હવે નવી સરકાર બનવા જઇ રહી છે ત્યારે બચુભાઇ ખાબડ અને રમેશ કટારામાંથી એકની પસંદગી થશે તેવી અટકળો ચાલી રહી છે.જો કે દાહોદ આદિવાસી જિલ્લો છે અને તેમાં 6માંથી પાંચ આદિવાસી ધારાસભ્યો ચુંટાયા છે જ્યારે બચુભાઇ ખાબડ ઓબીસી નેતા છે અને તેઓ સામાન્ય બેઠક પરથી ચુંટાયા છે.જેથી જો આદિવાસી કોટામાંથી મંત્રી બનાવાય તો તેમનુ પત્તુ કપાઇ શકે છે પરંતુ ઓબીસી કોટામાંથી તેમને સ્થાન મળી શકે છે.તેઓ 44,000ની લીડથી વિજેતા થયા છે.
મહેશ ભુરિયા પણ બીજી વખત જીતેલા સિનિયર નેતા છે
ઝાલોદ બેઠક પરથી મહેશભાઇ ભુરિયા 20 વર્ષ બાદ બીજી વખત ધારાસભ્ય પદે ચુંટાયા છે.તેઓ ભાજપાના સિનિયર નેતા છે અને દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહી ચુક્યા છે.ત્યારે તેમની દાવેદારી પણ નકારી શકાતી નથી.મોવડી મંડળ તેમના દાવાને સમર્થન આપે છે કે નહી તેના પણ મોટો મદાર રહેલો છે.
દાહોદ બેઠકના ધારાસભ્ય શિક્ષિત, યુવાન અને સહકારી નેતા છે
દાહોદ બેઠક પરથી પ્રથમ વખત કનૈયાલાલ કિશોરી 29 હજાર મતોથી ચુંટાઇ આવ્યા છે.તેઓ એમએ બીએડ થયેલા છે. અને 10 વર્ષથી તેઓ ગુજરાતની બીજા નંબરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન છે.રાજ્ય કક્ષાએ પણ સહકારી ક્ષેત્રે જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને તેઓ ફક્ત 40 વર્ષના છે.જો યુવાનોને તક આપવાની શીયરી આવે તો તેમને પણ લોટરી લાગે તો નવાઇ પામવા જેવુ નહી હોય.
રાજ્ય મંત્રીથી જ સંતોષ માનવો પડશે કે કેબીનેટ મંત્રી નો દરજ્જો મળશે કે પછી કશુય નહી મળે??
દાહોદ જિલ્લામાંથી કોઇની પણ પસંદગી થાય તે ઘણી બાબત છે, પરંતુ દાહોદ જિલ્લામાંથી ભાજપની એક પણ સરકારમાં કોઇ પણ ધારાસભ્યને કેબીનેટ મંત્રી બનાવ્યા નથી.જશવંતસિંહ ભાભોરથી માંડી જેટલા મંત્રી બન્યા છે તે રાજ્ય કક્ષાના જ બનાવાયા છે ત્યારે 156 ધારાસસભ્યોની બહુમતીવાળી ગુજરાત સરકારમાં દાહોદ જિલ્લાને કેબીનેટ કક્ષાનું કે રાજ્ય કક્ષાનું સ્થાન મળશે કે કેમ તે વિચાર માંગતો કોયડો છે.તેવા સમયે મધ્ય ગુજરાતના કોટામાંથી સ્થાન મળશે કે નહીં તેની ચર્ચા પણ થઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.