તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:​​​​​​​દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં ચાર અલગ અલગ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાહન ચાલકો ફરાર થતા ફરિયાદો નોંધાઈ

દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર વાહન ચાલકોની ગફલતના કારણે માર્ગ અકસ્માતોની વણઝાર સર્જાઈ હતી.જેમા માર્ગ અકસ્માતના ચાર બનાવોમા ચાર જણાના અકાળે મોત નીપજતાં પરિવારોમાં માતમ છવાઈ ગયો હતો.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે બન્યો હતો. જેમાં એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રસ્તાની સાઈડમાં કામ કરી રહેલા ફતેપુરા તાલુકાના ચીખલી ગામે કટારા ફળિયામાં રહેતાં જાતીભાઈ કટારાને અડફેટમાં લઈ પોતાના કબજાની ગાડી સ્થળ પર મુકી ચાલક નાસી ગયો હતો.જોતીભાઈને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતી હતી અને તેઓનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે હાઈવે રોડ પર ગત તા.27મી જુનના રોજ બનયો હતો.જેમાં એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલા એક 35 વર્ષીય અજાણ્યા પુરૂષને અડફેટમાં લઈ ટક્કર મારી નાસી જતાં અજાણ્યા પુરૂષને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજતાં આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ દેવગઢ બારીઆ તાલુકાના કાળીડુંગરી ગામે બન્યો હતો .જેમાં એક મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી લાવી તે સમયે કાળીડુંગરી ગામે હાઈસ્કુલ સામે રોડ પરથી પસાર થઈ રહેલ 22 વર્ષીય ધ્રુપલબેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ (રહે.ભીલપુરાગામ, તા.જી.છોટાઉદેપુર)ને અડફેટમાં લઈ જોશભેર ટક્કર મારી પોતાના કબજાની મોટરસાઈકલ સ્થળ પર મુકી મોટરસાઈકલનો નાસી જતાં ધ્રપુલબેનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ધ્રુપલબેનનું મોત નીપજતાં આ સંબંધે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં રહેતાં શર્મિષ્ઠાબેન રાજેન્દ્રસિંહ પરમારે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો ચોથો બનાવ લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.27મી જુનના રોજ સીંગવડ તાલુકાના મેથાણ ગામે આંકડા ફળિયામાં રહેતાં પ્રદિપકુમાર તેરસીંગભાઈ વળવાઈ અને રમેશભાઈ એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ ઉમેદપુરા ગામેથી નદીના પુલ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં અચાનક મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં મોટરસાઈકલની પાછળ બેઠેલ રમેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં રમેશભાઈનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...