બાળકોને રસીકરણ:દાહોદ જિલ્લામાં 15 થી 18 વર્ષના તરૂણોને વેક્સિનેશનનો પૂરજોશ પ્રારંભ, પ્રથમ દિવસે 9472 તરૂણોનું વેક્સિનેશન કરાયું

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં તબક્કાવાર શાળા પ્રમાણે 15 થી 18 વર્ષના તરૂણોને વેક્સિન મળે તે માટેનું સુદ્રઢ આયોજન
  • કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ 15 થી 18 વર્ષના તરૂણોને સત્વરે વેક્સિન લઇ લેવા કરી અપીલ

સમગ્ર રાજ્યમાં આજથી 15 થી 18 વર્ષના બાળકો માટે કોરોના વેકસિનેશનનો પ્રારંભ કરાયો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ આ વયજુથના બાળકોને વેક્સિનેશન માટેના મહાઅભિયાનનો પૂરજોશ પ્રારંભ થયો છે. 15 થી 18 વર્ષના વય જુથના બાળકો માટેના આ વેક્સિનેશનના પ્રથમ દિવસે જ જિલ્લામાં 9472 તરૂણોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 143 શાળાઓમાં આ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ માટે આરબીએસકેની 55 ટીમો તેમજ 143 વેક્સિનેટર દ્વારા કામગીરી કરાઇ હતી.

તરૂણો માટેના આ નિ:શુલ્ક રસીકરણ અભિયાનનો પ્રારંભ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ દાહોદની એક કન્યા શાળા ખાતેથી કરાવ્યો હતો અને તેમણે આ વયજુથમાં આવતા તરૂણોને સત્વરે વેક્સિન લઇ લેવા માટે અપીલ કરી હતી. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી તા. 8 જાન્યુઆરી સુધીમાં તબક્કાવાર વિવિધ શાળાઓને આવરી લેવામાં આવશે. જેમાં આજે 143 શાળાઓમાં વેક્સિનેશન કાર્યક્રમ યોજાયો હતો. જયારે આગામી તા. 4 થી તા. 8 દરમિયાન અનુક્રમે 139, 63, 32, શાળાઓને વેક્સિનેશન કાર્યક્રમમાં સામેલ કરાશે.

આજે જિલ્લામાં થયેલા રસીકરણની વિગતો તાલુકા પ્રમાણે જોઇએ તો દાહોદમાં 1597 ગરબાડામાં 1182 ધાનપુરમાં 1085, દેવગઢ બારીયામાં 1324 ફતેપુરામાં 455 લીમખેડામાં 968 ઝાલોદમાં 1891, સંજેલીમાં 463 સીંગવડમાં 508 તરૂણોને કોરોનાની વેક્સિન આપવામાં આવી હતી.દાહોદ જિલ્લામાં કોરોનાની વેક્સિન લેવા માટે તરૂણોએ પણ ખાસો ઉત્સાહ દર્શાવ્યો હતો. અને વહીવટી તંત્રની ઝુંબેશમાં સહયોગ આપ્યો હતો.

કોઇ રડ્યું તો કોઇકે સહપાઠીને હિંમત આપી
વેક્સિનેશન દરમિયાન કેટલાંક તરૂણોમાં સ્વાભાવિક ભય જોવા મળ્યો હતો. તો કતારમાં બેઠેલા કેટલાંક તરૂણો રડતાં જોવા મળ્યા હતાં. જ્યારે કેટલાંકે પોતાના સહપાઠીનો હાથ કસ્સીને દબાવી રાખીને વેક્સિનની વૈતરણી પાર કરી હતી. કેટલાંક એવા પણ હતાં જેમણે હસતે ચહેરે વેક્સિનેશન કરાવ્યું હતું. તરૂણીઓ વધુ ભયભીત જોવા મળી હતી.

જો વેક્સિન લીધી હોત તો પિતા હયાત હોત : તરુણની વ્યથા
તરૂણોના વેક્સિનેશનનો સોમવારે પ્રારંભ થયો હતો ત્યારે ગરબાડામાં કોરોનાથી પોતાના પિતા ગુમાવનાર ધોરણ 11માં અભ્યાસ કરતાં હાર્દિક કનુભાઇ ભાભોરે વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. તેણે વેક્સિન મુકાવ્યા બાદ ભાસ્કરને પોતાની વ્યથા વર્ણવીને વિદ્યાર્થીઓ સહિત તમામ બાકી લોકોને વેક્સિન મુકાવવાની અપીલ કરી હતી. હાર્દિકે જણાવ્યુ હતું કે, 15થી 18 વર્ષના લોકોને કોરોનાથી બચાવવા માટે વેક્સિનનો પ્રથમ ડોઝ મૂકવાનું ચાલુ થઈ ગયું છે ત્યારે હું સૌને અપીલ કરું છું કે આ પ્રથમ ડોઝ અવશ્ય મૂકાવો જોઈએ.

કોરોના મહામારીમાં ગયા વર્ષે ચોથા મહિનામાં મે મારા પિતા ગુમાવ્યા હતાં. કોરોનાનો ચેપ લાગતાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત વધુ બગડતાં તેમને વધુ સારવાર માટે વડોદરા દાખલ કરાયા હતાં. ત્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. અંત સમયે હું મારા પિતાનું મોઢુ પણ જોઇ શક્યો ન હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...