હજારો માછલીઓ મોતને ભેટી:દાહોદ પાસે દેલસરના તળાવમાં માછલીઓના મોતને પગલે ગ્રામજનોમાં રોષ, દૂષિત પાણીને કારણે ઘટના બની હોવાનો આક્ષેપ

દાહોદ3 મહિનો પહેલા
  • તળાવમાંથી પશુઓને પીવા તેમજ લોકો ઘરકામ માટે પાણી વાપરે છે, ધાર્મિક પ્રસંગોમાં મુર્તિઓનું વિસર્જન પણ કરાય છે

દાહોદ પાસે આવેલા દેલસરના તળાવમાં ઢગલાબંધ માછલીઓના મોત થયા છે. કેટલાક વિસ્તારોમાંથી ઠલવાતાં દૂષિત પાણીને કારણે આવી ઘટનાઓ બનતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. તેમજ આ ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

અગાઉ બે ગાયોના મોત થયા હતા
દાહોદ શહેરને અડીને જ દેલસર ગામ આવેલુ છે. આ ગામમાં એક મોટું તળાવ આવેલુ છે. જે તળાવના પાણીનો ગ્રામજનો ઘર વપરાશ માટે ઉપયોગ કરે છે તેમજ પશુઓ આ જ પાણી પીવે છે. ગૌરી વ્રત બાદ જવારાનું અને ગણેશોત્સવ પછી પ્રતિમાઓનું વિસર્જન પણ આ તળાવમાં જ કરવામા આવે છે. ત્યારે આ તળાવમાં એક સાથે અસંખ્ય માછલીઓના મોત થતા ગ્રામજનોમાં ચિંતાની સાથે રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા બે ગાયોના પણ મોત નીપજયા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
ગટરનું ગંદુ પાણી તળાવમાં ઠલવાય છે: ડે.સરપંચ
ગામના ડેપ્યુટી સરપંચના જણાવ્યાં મુજબ ગલાલીયાવાડ વાડ વિસ્તારમાં આવેલી જીવનદીપ સોસાયટી, અંબિકા નગર તેમજ લક્ષ્મી પાર્ક સોસાયટીની ગટરોનું ગંદુ પાણી આ તળાવમાં ઠાલવવામા આવે છે. જેથી પાણી ઝેરી થઈ જતાં આવી ઘટનાઓ બને છે. જો આવનાર સમયમા કોઈ જાનહાનિ થશે તો કોણ જવાબદારી લેશે તેવો પ્રશ્ન પણ તેમણે ઉઠાવ્યો હતો. આ સમસ્યાનું નિરાકરણ કરવાની તેઓએ માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...