દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર પાસે કલાકાર વિજય સુવાળાના ડાયરાનો કાર્યક્રમ હતો. આ દરમિયાન ચાલુ ડાયરામાં અચાનક સ્ટેજ ધરાશાયી થયું હતું. જેને લઈ સ્ટેજ પરના કલાકારો નીચે પડી ગયા હતા. જોકે, કોઈને ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું નથી. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
સદનસીબે જાનહાનિ ટળી
ફતેપુરા તાલુકાના સુખસર પાસે ગતરોજ મેલડી મા નો પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલાકાર વિજય સુવાળા સહિતના કલાકારોના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 'એ પાપી તને પાપ લાગશે....' ગીત વિજય સુવાળા ગાઈ રહ્યા હતા. ત્યારે અચાનક સ્ટેજ ધરાશાયી થયું હતું. જેથી એકાએક સ્ટેજ પર હાજર કલાકારો સહિતનાઓ નીચે પડી ગયા હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
કેટલાક યુવાનો રૂપિયા ઉડાડી ઝુમી રહ્યા હતા
આ સમગ્ર ઘટનાનો વીડિયો કોઈએ પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે, વિજય સુવાળા સ્ટેજ ઉપર પ્રર્ફોમન્સ કરી રહ્યા હતા. ત્યારે કેટલાક યુવાનો રૂપિયા ઉડાડી રહ્યા હતા તેમજ ઝુમી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સ્ટેજ તૂટી ગયું હતું. જેથી સ્ટેજ પરના કલાકારો નીચે પડી ગયા હતા. આ ઘટનાને પગલે સંગીતના માહોલ વચ્ચે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વિજય સુવાળા આપ પાર્ટી છોડી ભાજપમાં જોડાયા હતા
ઉલ્લેખનીય છે કે, કલાકાર વિજય રબારી મહેસાણાના કડી તાલુકાના સુવાળા ગામના વતની છે. તેઓ અત્યારે અમદાવાદમાં રહે છે. તેમજ રાજકારણમાં સક્રીય છે. થોડા સમય પહેલા કલાકાર વિજય સુવાળા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયા હતા. તેઓને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.