દંપતિની સજોડે આત્મહત્યા:ગરબાડાના વિજાગઢમાં માત્ર નવ મહિના પહેલા પ્રેમ લગ્ન કરનારા દંપતિએ કૂવામાં ઝંપલાવતાં ચકચાર

દાહોદએક મહિનો પહેલા
  • બંન્નેના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી ગામમાં ગમગીની છવાઈ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વિજાગઢ ગામે એક નવદંપતિએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે. દંપતિએ ગામમાં આવેલા કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલું કરતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો અને પોલીસે બંન્નેના મૃતદેહોને નજીકના દવાખાને પીએમ અર્થે મોકલ્યા હતા.

ગરબાડાના વિજાગઢ ગામમાં રહેતાં હેમાંગભાઈ (હાર્દિકભાઈ) અને તેમની પત્નિ સાધનાબેન એમ બંન્ને જણાએ આશરે 9 મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા. એકાએક જ અગમ્ય કારણોસર ગામમાં આવેલા એક કૂવામાં પતિ-પત્નીએ ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયાં હતાં. યુવક અને યુવતીના પરિવારજનોમાં ઘટના સ્થળ પર દોડી જતાં આક્રંદનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો.

ઘટનાને પગલે સ્થળ પર લોકટોળાં ઉમટી પડ્યાં હતાં અને ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતાં પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બંન્નેના મૃતદેહોને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યાં હતાં. દંપતિએ કયાં કારણોસર આત્મહત્યા કરી તેનું હાલમાં સાચું કારણ જાણવા મળ્યું નથી.

આ સંબંધે મૃતક યુવક હેમાંગભાઈ (હાર્દિકભાઈ)ના પિતા રાકેશભાઈ કેશવભાઈ સોલંકીએ જેસાવાડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંબંધે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...