દાહોદ જિલ્લામાં લાઈસન્સ વગર તગડા વ્યાજે નાણાં ધીરનાર પર તવાઈ આવી છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં વધુ પાંચ જેટલા વ્યાજખોરો વિરૂદ્ધ જુદા જુદા બે પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે. પોલીસે વ્યાજખોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દાહોદમાં વધુ બે વ્યાજખોરો સાંણસામા
દાહોદમાં ગોધરારોડ, નવરંગ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય અસલમખાન નિઝામખાન પઠાણે તા. 14/4/14ના રોજ સુરેન્દ્ર કસ્તરીયા પાસેથી 10 ટકાના વ્યાજે 1,90,000 રૂપિયા લીધા હતા. જે વ્યાજ સહિત તા. 25/7/16ના રોજ આપી દીધા હતા. તેવી જ રીતે દાહોદ ગોધરા રોડ, વિમલ સોસાયટીમાં રહેતા બંટુ ઉર્ફે જોન્સન લોબો પાસેથી અવાર નવાર 10 ટકાના વ્યાજે આઠ ચેક આપી પૈસા લીધા હતા.તેમ છતાં ચેક લેવા માટે તેની પાસે જાય ત્યારે વ્યાજના પૈસા બાકી છે તે આપી દે તેમ કહી ગાળો આપી માર મારવાની ધમકીઓ આપતો હતો. ફુલદીપ કસ્તરીયા અસલમખાન પઠાણ પાસેથી પાંચ લાખ રૂપિયા વધુ કઢાવી લેવા ગાળો આપી મારમારવાની ધમકીઓ આપતો હતો.આ સંબંધે અસલમભાઈ નિઝામખાન પઠાણે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ ટાઉન એ ડીવીઝન પોલીસે ફુલદીપ સુરેન્દ્રભાઈ કસ્તરીયા તથા બંટુ ઉર્ફે જોનસન લોબો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.
એક જ વ્યક્તિનું ત્રણ વ્યાજખોરોએ શોષણ કર્યું
ફતેપુરામાં બનેલા બનાવમાં ફતેપુરા ગામે ઝાલોદ રોડ પર આવેલા જય અંબે સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રકુમાર નગીનભાઈ ડબગરને વેપાર માટે તથા પોતાના ભાઈની બીમારીના ઈલાજ માટે મોટી રકમની જરૂરિયાત ઉભી થઈ હતી. જેથી તેઓએ ફતેપુરા મેઈન બજારમાં રહેતા મૌલીકકુમાર બુધલભાઈ શાહ પાસેથી 3 ટકાના વ્યાજના દરે રૂપિયા પાંચ લાખ લીધા હતા અને 3 ટકાના વ્યાજ સાથે તેને 10 લાખ 80 હજાર રૂપિયા ચુકવી દીધા હતા. ફતેપુરા માર્કેટ યાર્ડ આગળ રહેતા મેહુલકુમાર પોપટભાઈ કલાલ પાસેથી 3 ટકાના વ્યાજના દરે રૂપિયા પાંચ લાખ લીધા હતા અને તેને વ્યાજના રૂપિયા 3,15,000 આપી દીધા હતા તથા ફતેપુરા ગામે ઉખરેલી રોડ મંદીર પાસે રહેતા ચંદ્રકાંત ઉર્ફે લાલા વિનોદભાઈ ડબગર પાસેથી 3 ટકાના વ્યાજના દરે રૂપિયા 2 લાખ લીધા હતા. તેને પણ વ્યાજ સાથે રૂપિયા 3,25,000 ચુકવી દીધા હતા. તેમ છતાં ત્રણે વ્યાજખોરોએ પોતાની મૂડીની રકમ બાકી છે તેમ કહી અલગ અલગ તારીખે અલગ અલગ સમયે ધર્મેન્દ્રકુમાર નગીનભાઈ ડબગરની દુકાને તેમજ ઘરે આવી બળજબરીપૂર્વક વ્યાજની વસૂલીના વધુ રૂપિયાની માંગણી કરી ઝઘડો કરી બેફામ ગાળો બોલી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી.
આ સંબંધે ધર્મેન્દ્રકુમાર નગીનલાલ ડબગરે નોંધાવેલી ફરિયાદને આધારે મૌલિકકુમાર બુધલભાઈ શાહ, મેહુલકુમાર પોપટભાઈ કલાલ તથા ચંદ્રકાંત ઉર્ફે લાલા વિનોદભાઈ ડબગર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ત્રણે વ્યાજખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.