ચૂંટણી જંગની તૈયારી:દાહોદ જિલ્લામાં વિવિધ બેઠકના વિવિધ પક્ષોના ઉમેદવારોએ સાગમટે ઉમેદવારી નોંધાવી

દાહોદ3 મહિનો પહેલા

દાહોદ જિલ્લામાં ચુંટણીની મોસમ હવે ધીમે ધીમે જામી રહી છે.દાહોદ જિલ્લાની તમામ 6 બેઠકોની ચુંટણી બીજા તબક્કામાં યોજાનાર છે ત્યારે મંગળવારે દાહોદ બેઠક માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારે ફોરે્મ ભરી દીધા હતા.જયારે લીમખેડા બેઠક પર ભાજપાના ઉમેદવારે પોતાનુ ઉમંદવારીપત્ર ભરી દીધું છે. દેવગઢ બારીયા અને ગરબાડામાં આપના ઉમેદવારો તેમજ ઝાલોદ અને ફતેપુરામાં કાંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી દીધા હતા.રેલી સ્વરુપે જઇને ત્રણેય ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન પણ કર્યા હતા.

દાહોદ બેઠકના ભાજપાના કનૈયાલાલ કિશોરીએ સભા કરી રેલી કાઢી
દાહોદ બેઠક પર ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.ત્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીએ પોતાનુ ઉમેદવારી પત્ર આજે વિજય મુહુર્તમાં 12 :39 કલાકે બપોરે મદદનીશ ચુંટણી અધિકારીને સુપ્રત કર્યુ હતુ.તે પહેલાં તેઓ યુવા મોર્ચાની બાઇક રેલી સાથે ઇન્દોર હાઇવે પર સભા સ્થળે પહોંચ્યા હતા.જ્યાં જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયાર સહિતના નેતાઓ હાજર હતા તેમજ સંતો મહંતોના આશીર્વાદ લઇ તેમણે સભાને સંબોધી હતી.ત્યાર બાદ ખુલ્લી જીપમાં રેલી સ્વરુપે આવી પ્રાંત અધિકારીની કચેરીમાં ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.

દાહોદના કોંગી ધારાસભ્યએ નામ જાહેર થયા પહેલા ફોર્મ ભર્યુ, ફતેપુરા ઝાલોદમાં પણ ઉમેદવારી થઇ
દાહોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર કરાયુ નથી.તેમ છતાં વર્તમાન ધારાસભ્ય વજેસિંહ પણદાએ પણ આજે રેલી કાઢીને બપોરે 2 વાગે પોતાની ઉમેદવારી નોંધાવી છે.કોંગ્રેસે જિલ્લામાં બાકીની ચારેય બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને દેવગઢ બારીયા બેઠક પર એનસીપી સાથે સમજુતી થઇ હોવાથી અહીં એનસીપીના ઉમેદવાર ચુંટણી લડશે ત્યારે કોંગ્રેસમાં એક માત્ર દાહોદ બેઠક પર જ કોકડું ગુંચવાયુ છે.ત્યારે સતત ત્રણ વખત વિજેતા થયેલા વજુભાઇ પણદાએ ફરીથી નામ જાહેર થયા પહેલા જ ઉમેદવારી નોંધાવી દેતાં ચર્ચાનો વિષય ઉભો થયો છે.ઝાલોદના કોંગ્રેસી ઉમેદવાર ડો.મિતેષ ગરાસીયા અને ફતેપુરાના ઉમેદવાર રઘુ મછારે પણ ઉમેદવારી પત્રો ભરી દીધા હતા.

લીમખેડામાં સાંસદના ભાઇએ ઉમેદવારી નોંધાવી
લીમખેડા બેઠક પર ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે સાંસદ જશવંતસિંહ ભાભોરના ભાઇ અને વર્તમાન ધારાસભ્ય શૈલેષ ભાઇ ભાભોરે ફોર્મ ભર્યુ હતુ. આ વખતે સાંસદ જશવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક પર ગત વખતે પણ શૈલેષ ભાભોર ચુંટાઇ આવ્યા હતા.કારણ કે વર્ષોથાી લીમખેડા વિસ્તાર ભારતીય જનતા પક્ષનો ગઢ માનવામાં આવે છે.ત્યારે આ વખતે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ટક્કર થશે તેમ લાગી રહ્યુ છે.

ગરબાડા, દાહોદ અને બારીયામાં આપની ઉમેદવારી
બીજી તરફ આમ આદમી પાર્ટીના દાહોદના ઉમેદવાર ડો.દિનેશ મુનિયા, ગરબાડાના આપના ઉમેેદવાર શૈલેષ ભાભોર અને દેવગઢ બારીયાના આપના ઉમેદવાર ભરત વાખળાએ પણ આજે ઉમેદવારી નોંધાવી દીધી છે.આજે તમામ ઉમેદવારોએ રેલી કાઢી અથવા તો સભા કરી તેમજ કેટલાક ઉમેદવારોના ટેકેદારોએ બાઇક રેલી પણ કાઢી તો કેટલાક ખુલ્લી જીપમાં મતદારોનું અભિવાદન કરતાં કરતાં ઉમેદવારી નોંધાવવા ગયા હતા.ત્યારે દાહોદ,ગરબાડા,લીમખેડાષફતેપુરા અને ઝાલોદ એમ ત્રણેય તાલુકા મથકોએ બપોર સુધી ચુંટણીમય વાતાવરણ સર્જાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...