તો ખેડૂતોને હૈયા હોળી:દાહોદ સહિત દસ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સાવધાન રહેવા સૂચના

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં મધ્ય ગુજરાતના દાહોદ સહિતના જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.દાહોદ જિલ્લામાં હાલમાં ઘઉં,ચણા કાપવાનુ કામ પૂરજોશમા ચાલી રહ્યુ છે તેવા સમયે જો વરસાદ આવશે તો ખેડૂતોનો પાક પલળી જતાં નુકસાન થવાની સંભાવના રહેલી છે.

આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ
હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા. 4 માર્ચ થી તા. 6 માર્ચ દરમિયાન મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે. દક્ષિણમાં સુરત, વલસાડ અને નવસારી તેમજ સૌરાષ્ટ અને કચ્છ વિસ્તારના કચ્છ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમાં પવન અને કમોસમી માવઠું – સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

અનાજના રક્ષણ માટે આટલું કરવુ જોઈએ
આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે મોટા ભાગે ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા હોય છે. તેમ છતાં કેટલાક તકેદારીના પગલા લેવા ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે.
​​​​​​​કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક, ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી જોઈએ. પ્લાસ્ટિક, તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતા અટકાવવું જોઈએ.

જંતુનાશક દવાનો ઉપયોગ વરસાદમાં ટાળવો
જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એપીએમસીમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એપીએમસીમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા એપીએમસીમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસે દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી જોઈએ.

1800-1801-551 ટોલ ફ્રી નંબર જાહેર કરાયો
આ અંગે વધુ જાણકારી વિસ્તારના ગ્રામ સેવક – વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.) જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (તાલીમ), કેવીકે અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1800-1801-551 ઉપર સંપર્ક કરવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...