દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તાર ખાતેનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં બે અજાણી મહિલાઓ એક 75 વર્ષીય વૃદ્ધાના હાથમાં રહેલી થેલીને બ્લેડ મારી થેલી કાપી રોકડા રૂા. 40 હજારની ચોરી કરી લઈ નાસી ગઈ હતી. જેના પગલે વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે રહેતાં 75 વર્ષીય તુલશીબેન મોહનલાલ મહાવત જેઓ રેલ્વેમાં નોકરી કરતાં હતાં. હાલ તેઓ નિવૃત જીવન વ્યતિત કરી રહ્યાં છે. તુલશીબેન શહેરના ગોધરા રોડ ખાતે શાકભાજી લેવા ગયાં હતાં અને તેમની પાસે રોકડા રૂપિયા 40 હજાર ભરેલી એક થેલી પણ હતી. તેમાં આધાર કાર્ડ, બેન્કની પાસબુક અને રેલ્વે મેડીકલના કાર્ડ પણ હતાં. બપોરના સાડા બાર વાગ્યાના સમયગાળા દરમિયાન તેઓ શાકભાજી લેતાં હતાં, તે સમયે તેમની પાસેથી બે અજાણી મહિલાઓ પસાર થઈ હતી.
મહિલાઓ તુલશીબેનના હાથમાં રહેલી થેલીને સિફતપૂર્વક બ્લેડથી કાપી થેલીમાંથી રોકડા રૂા. 40 હજાર તથા અન્ય કાગળોની ચોરી કરી નાસી ગઈ હતી. આ અંગેની જાણ તુલશીબેનને થતાં વિસ્તારમાં ઉહાપોહ થઈ ગયો હતો. આ સંબંધે તુલશીબેન મોહનલાલ મહાવતે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.