અંતિમવિધિમાં અચાનક ફાયરિંગ થયું:દેવગઢ બારિયાના જામરણ ગામે અંતિમવિધિમાં અચાનક બંદુકમાંથી ફાયરીંગ થતાં બે ડાઘુઓને ગંભીર ઇજા

દાહોદ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે ગ્રામજનો હવામાં ફાયરિંગના ઈરાદે કારતૂસ સાથે મૃતકની બંદૂક લઈને આવ્યા હતા એકના જમણા ખભાએ તેમજ અન્યના જમણા કાનના ઉપરના ભાગે છરા વાગતા ગંભીર ઇજાઓ એક ફાયરિંગ કર્યા પછી અન્ય કારતૂસ નાખવા જતા એકાએક ટ્રિગર દબાઈ જતાં બન્યો બનાવ ઈજાગ્રસ્તોને દેવગઢ બારીયા હોસ્પિટલમાં ખસેડાયા, પોલીસે વધુ તપાસ હાથ ધરી

દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામે અંતિમવિધિમાં મૃતકની બંદૂક અન્ય બે ગ્રામજનોએ લાવી હવામાં ફાયરિંગ કરવા જતા એકાએક ટ્રિગર દબાઈ જતાં બે ડાઘુઓને ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટનાને પગલે બંને આરોપી ત્યાંથી ભાગી છૂટ્યા હતા. તેમજ બંને ઈજાગ્રસ્ત ડાઘુઓને સારવાર માટે દેવગઢ બારીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સૂત્રો અનુસાર દેવગઢ બારિયા તાલુકાના જામરણ ગામે રહેતા સુરસીંગ મનાભાઈ પટેલ છેલ્લા કેટલાય સમયથી વડોદરા ખાતે સારવાર હેઠળ હતા. ત્યારે 25 નવેમ્બરે વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા તેમના પરિવારજનો તેમનો મૃતદેહ લઇને અંતિમયાત્રા માટે તેમના ગામ જામરણ ખાતે આવ્યા હતા. ત્યારે અંતિમયાત્રામાં જામરણ ગામના ભુપત રમણભાઈ બારીયા તથા આશિષ ઉર્ફે અરુણ હિંમત રાઠવા પણ મૃત્યુ પામનારા સુરસીંગ પટેલની લાયસન્સ વાળી બંદૂક તેમજ કારતૂસ હવામાં ફાયરિંગ કરવાના ઈરાદા સાથે લઈને ગયા હતા.

દરમિયાન ભુપત રમણ બારીયાએ બંદૂકમાંથી હવામાં એક ફાયરિંગ કર્યુ હતું અને બીજા ફાયરિંગ માટે કારતૂસ લોડ કરવા ભુપત બારીયા અને આશિષ રાઠવા બંને જણા વચ્ચે માથાકૂટ થઈ હતી. ત્યારે અચાનક બંદૂકમાંથી ફાયરિંગ થઈ જતા ત્યાં નનામીના વાંસના કામઠા અને નાડાછડી કાપતાં મંગલસિંગ બારીયા અને ગણપત બારીયાને ઈજાઓ થવા પામી હતી. જેમાં મંગલસિંગ બારીયાના જમણા ખભાએ તેમજ ગણપત બારીયાના જમણા કાનના ઉપરના ભાગે છરા વાગતા ગંભીર ઇજાઓ થતાં બંને જણા જમીન ઉપર ઢળી પડ્યા હતા.

ઘટનાને પગલે અંતિમયાત્રામાં બંદૂક લઇને આવેલા ભુપત બારીયા અને આશિષ રાઠવા બંદૂક ફેંકી ત્યાંથી નાસી છૂટયા હતા. ઇજા પામનારા બંને ડાઘુઓને સારવાર અર્થે દેવગઢ બારીયા હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવને લઇને મહેશ મંગલસીંગ બારીયાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...