દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક સ્વીફ્ટ કાર ઝડપી પાડી હતી. જેમાંથી પોલીસે રૂા. 80 હજાર 820ના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક સહિત બે આરોપીની અટક કરી છે. જ્યારે ત્રણ ફરાર ઈસમો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસે મળેલી બાતમીના આધારે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરી હતી. તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલી એક સ્વીફ્ટ કાર પસાર થતાં પોલીસ સાબદી બની હતી. ગાડી નજીક આવતાંની સાથે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વિજય રામાભાઈ પરમાર અને ગૌરાંગ શાંતીલાલ વાળંદની પોલીસે અટકાયત કરી ગાડીની તલાશી લીધી હતી.
પોલીસે ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ 322 બોટલો, કિંમત રૂા. 80 હજાર 820ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. 3 લાખ 80 હજાર 820નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે વિદેશી દારૂની હેરાફેરી સમયે ગાડીની આગળ અન્ય એક ગાડીમાં પાયલોટીંગ કરી રહેલા ધર્મેન્દ્ર માળી, દિપક માળી અને રાજુ બામણીયા વિરૂદ્ધ પણ પીપલોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.