જીવલેણ અકસ્માત:દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએ માર્ગ અકસ્માત, બે વ્યકિતઓએ જીવ ગુમાવ્યાં

દાહોદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દેવગઢ બારીયામાં બે બાઈક સામ સામે અથડાતા એકનું મોત
  • સંજેલી તાલુકામાં બાઈક સ્લીપ થતા એક શખસનું મોત

દાહોદ જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએ માર્ગ અકસ્માતના બે બનાવો સામે આવ્યાં છે. જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક ચાલકે અન્ય બાઈકને ટક્કર મારતાં અકસ્માત
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીયા તાલુકાના બામરોલી ગામે બન્યો હતો. જેમાં ગત તા.30મી ઓગષ્ટના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જતો હતો. તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા દેવગઢ બારીયા તાલુકાના ભુવાલ ગામે પટેલ ફળિયામાં રહેતાં નરેશભાઈની મોટરસાઈકલ સાથે ધડાકાભેર અથડાવતાં નરેશભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયા હતાં. જેને પગલે તેઓને હાથે પગે માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મૃતક નરેશભાઈના ભાઈ પ્રવિણભાઈ બાબુભાઈ પટેલે સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
​​​​​​​​​​​​​​પૂરઝડપે દોડતી બાઈક સ્લીપ થતા ચાલકનું મોત
માર્ગ અકસ્માતનો બીજો બનાવ સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામે બન્યો હતો. જેમાં ગત તા.31મી ઓગષ્ટના રોજ સંજેલી તાલુકાના ચમારીયા ગામે બિલ્લી ફળિયામાં રહેતાં જસવંતભાઈ રૂપસીંગભાઈ બારીયાએ પોતાની મોટરસાઈકલ પુરઝડપે હંકારી જઈ રહ્યા હતા. મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ પરના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે જશવંતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને હાથે પગે શરીરે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે મયુરભાઈ જશવંતસિંહ બારીયાએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...