દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે બે માર્ગ અકસ્માત થયા હતા.આ બે બનાવોમાં એક મહિલા સહિત બે વ્યકિતના મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના મોટીઝરી ગામે બનવા પામ્યો હતો. જેમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ચમારીયા ગામે રહેતાં રમેશભાઈ ચુનીલાલ મકવાણાએ પોતાની ફોર વ્હીલર ગાડીમાં અંજનાબેન તથા કાનજીભાઈ સામજીભાઈ બારીયા (બંન્ને રહે. ફુલપુરા, તળ ફળિયુ, તા. ઝાલોદ, જિ.દાહોદ)ને બેસાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જઈ રહ્યો હતો.અચાનક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ગાડી રસ્તાની સાઈડમાં આવેલા નાળાની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી .જેને પગલે અંજનાબેન તથા કાનજીભાઈને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન અંજનાબેન કાનજીભાઈ બારીયાનું મોત નીપજતાં આ સંબંધે ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે તળ ફળિયામાં રહેતાં જોરસીંગભાઈ કલસીંગભાઈ બારીઆએ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજો બનાવ દાહોદ તાલુકાના નવાગામમા બન્યો હતો. જેમાં દાહોદ તાલુકાના લીમડાબરા ગામે ગામતળ ફળિયામાં રહેતાં અંકિતભાઈ રમેશભાઈ લબાના પોતાની મોટરસાઈકલ લઈ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નવાગામેથી પસાર થઈ રહ્યાં હતાં. તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં અંકિતભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતા. તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને પ્રાથમીક સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં .જ્યા તેઓની સ્થિતી નાજુક જણાતાં તેઓને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમ્યાન અંકિતભાઈનું મોત નીપજયુ હતુ. આ સંબંધે દાહોદ તાલુકાના લીમડાબરા ગામે ગામતળ ફળિયામાં રહેતાં અમરસીંગભાઈ ઓકારભાઈ લબાનાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.