દાહોદ જિલ્લામા આજે સવારે એકાએક જ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.આ વખતે ચાર જુદી જુદી જગ્યાએ વીજળી પડતા એક પુરુષ,એક મહિલા,અને અડધો ડઝન પશુઓના મોત નીપજ્યા છે.
જિલ્લામાં ચૈત્રી નવરાત્રી પહેલા કમોસમી માવઠાની રમઝટ
દાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બે દિવસ અગાઉ પણ વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી દાહોદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને 10:00 વાગ્યાના સુમારે તો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ફાગણમાં અષાઢી માહોલ જામ્યો હતો.
કામ કરતી મહિલા કાળનો કોળિયો બની ગઈ
જોકે આ વરસાદી માહોલમાં આકાશી વીજળી આફત સાબિત થઈ હતી. જેમાં દાહોદ તાલુકાના બોરખેડા ગામે રાબડીયા ફળીયાની 57 વર્ષીય ગેદીબેન તાજુભાઈ માવી ઘર નજીક કામ કરી રહ્યા હતા.તે સમયે ઓચિંતી વીજળી પડતા ગેદીબેનનું ઘટના સ્થળે મોતીપજ્યું હતું.
વીજળીએ ઘરનુ છાપરુ તોડી નાખ્યુ
જ્યારે વીજળી પડવાનીની બીજી ઘટના ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે બનવા પામી. મકનભાઈ મનુભાઈ ખરાડ,મનુભાઈ લાલજીભાઈ ખરાડ તેમજ સુરેખાબેન કમલેશભાઈ ખરાડ ઘરમા હતા ત્યારે ઉપર વીજળી મકાનનું છાપરું તોડીને પડી હતી.જેમાં સુરેખાબેન તેમજ કમલેશભાઈ ખરાડને ઈજાઓ પહોંચી હતી.જ્યારે 70 વર્ષીય મનુભાઈ ખરાડનુંનું મોત નીપજ્યું હતું. આસપાસના ભેગા થયેલા લોકોએ ઇજાગ્રસ્ત મહિલા તેમજ યુવકને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યારે મરણ જનાર મનુભાઈ ખરાડના પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો.
ખેડૂતોએ પશુધન ગુમાવવુ પડ્યુ
આ ઉપરાંત દાહોદના ગલાલીયાવાડમા પણ વીજળી પડી હતી.અહીં વીજળી પડતા ચાર ભેંસોના મોત નીપજતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.તેવી જ રીતે દાહોદ પાસે જ કાળી તળાઈમા પણ વીજળી પડતા બે ગાયોના પણ મોત નીપજયા છે.આમ કટાણે આવી પડેલો વરસાદ અને તેમાયે વીજળી વેરણ સાબિત થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.