ચોરીનો ભેદ ઉકેલ્યો:અમદાવાદથી 3.75 લાખની 7 રેસીંગ બાઇક ચોરનાર ગેંગના બે ઝડપાયા

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદથી ચોરેલી 3.75 લાખ રૂપિયાની સાત બાઇક જપ્ત કરાઇ
  • LCBએ પોકેટ કોપ એપ્લિકેશનના માધ્યમથી ચોરીનો ભેદ ઉકેલ્યો

દાહોદ જીલ્લામા વાહન ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા ટીમો બનાવી પોકેટ કોપના માધ્યમથી વાહન ચેકીંગની ઝુંબેશ હાથ ધરવા માટે એસ.પી હિતેશ જોયસરે એલ.સી.બી. પી.આઇ. બી.ડી.શાહને માર્ગદર્શન કર્યુ હતું. જે અનુસંધાને રવિવારના રોજ પી.આઇ. શાહ તથા સ્ટાફની ટીમો બનાવી મિલ્કત સબંધી તેમજ વાહનો ચોરીના ગુનાઓ અટકાવવા સારુ લીમડી વિસ્તારમા દેપાડા ગામે લીમડીથી લીમખેડા જતા હાઇવે રસ્તા ઉપર ઓવર બ્રીજ નીચે આવતા જતા વાહનોના નંબરોની પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા વાહન ચેકીંગમાં હતા.

ત્યારે લીમખેડા રસ્તા ઉપરથી એક વગર નંબરની મોટર સાયકલ ઉપર બે યુવકો આવતા તેઓને રોકવા ઇશારો કરતા તેઓએ મોટર સાયકલ પાછી વાળવા જતા દોડીને કોર્ડન કરી પકડી પડ્યા હતા. તેમની પાસેની નંબર વગરની યામાહા કંમ્પનીની R15 શંકાસ્પદ જણાઇ આવતા મો.સા.ના એન્જીન નંબર તથા ચેસીન નંબરની પોકેટ કોપ એપ્લીકેશના માધ્યમથી સર્ચ કરતા આ મોટર સાયકલ શંકાસ્પદ જણાઇ હતી. પકડાયેલા ઝાલોદના પારેવાનો શૈલેષભાઇ ઉર્ફે જયેશ ઉર્ફે જયલો ઉર્ફે ટીમો કડકીયાભાઇ ડામોર તથા પડતીયા ગામના સુનિલભાઇ ઉર્ફે સુનિયા સુરસિંગ કટારાની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી.

તેમણએ આ સિવાયની બીજી છ મોટર સાયકલો ચોરી કરી લાવી શૈલેષના ઘરે વેચાણ કરવા માટે મુકી રાખી હોવાનું જણાવ્યું હતું. બન્નેને સાથે રાખી શૈલેષના ઘરે તપાસ કરતા બીજી છ મોટર સાયકલ મળી આવી હતી. યુવકોની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ તથા પોતાની ગેંગના સાગરીતો સાથે ભેગા મળી અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાથી મોટર સાયકલ ચોરી કરી વેચાણ કરવા માટે લાવ્યા હોવાની કબુલાત કરી હતી. અમદાવાદમાંથી ચોરી કરેલી 3,75,000 રૂ.ની સાત રેસીંગ બાઇક જપ્ત કરી બન્ને વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...