અકસ્માત:સામસામે બે બાઇક ભટકાતાં 1 મહિલા સહિત 2નાં મોત, 2 ઘાયલ

દાહોદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દાહોદના ખરોડની 50 વર્ષિય મહિલા સહિત બે જણાનાં મોત નિપજ્યાં

દાહોદ જિલ્લામાં અલક અલગ બે અકસ્માતની ઘટનામાં 50 વર્ષિય આધેડ મહિલા સહિત બે જણાના મોત નિપજયા હતા. દાહોદ જિલ્લામાં અકસ્માતના બે બનાવો પૈકી એક દાહોદ તાલુકાના ખરોડ ગામે બન્યો હતો. જેમાં રાત્રીના દશેક વાગ્યાના અરસામાં પુરઝડપે હંકારી આવતાં વાહનના ચાલકે આગળ જતી જીજે-20-એઆર-8758 નંબરની એક્ટિવાને પાછળથી જોશભેર ટક્કર મારી નાસી ગયો હતો. જેમાં એક્ટિવા ચાલક મનોજભાઈને કપાળના ભાગે, પેટના ભાગે માથામાં તેમજ પાછળ બેઠેલા દીપલબેનને માથાના ભાગે, બંને પગના પંજામાં, તથા શરીરે પીઠના ભાગે નાની- મોટી ઈજાઓ થવા પામી હતી.

50 વર્ષીય શારદાબેન માલજીભાઈ વસૈયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ સંબંધે બાબુભાઇ વેલજીભાઇ બારીયાની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે બીજો બનાવ ધાનપુર તાલુકાના હરખપુર ગામે બનવા પામ્યો હતો.

જેમાં ધાનપુર તાલુકાના ગારેલ વાગાલ ગામના પારૂભાઈ નવલાભાઈ મોહનીયા પોતાની જીજે -6-એફએન-3191 નંબરની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી જીજે-20-એપી-0017 નંબરની બાઈકને જોશભેર ટક્કર મારતા ગાહેલવાગા ગામના બાઈક ચાલક લક્ષ્મણભાઈ છગનભાઈ પલાસને નાક, દાઢી તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ સંબંધે પ્રતાપભાઇ મગનભાઇ પલાસની ફરિયાદના આધારે પારૂભાઈ નવલાભાઈ મોહનીયા વિરૂધ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...