તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી માટે વલખાં:દાહોદમાં પીવાના પાણીની બે-બે યોજનાઓ કાર્યરત, છતાં પાણી પાણી કરતા શહેરીજનો

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખે વહેતા મુકેલા સૂત્ર લોકહિતમ કરણિયમ સૂત્રને સાર્થક કરવાની શરુઆત પાણીની સમસ્યાથી થાય તે સાચે જ લોક હિતમાં કડાણાને બાજુએ રાખી પાટાડુંગરીમાં જ રોજ પાણી અપાય તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ

દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. તેને કારણે શહેરીજનોને નિયમિત પાણી ન મળતા પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. શહેરને પાણી પુરું પાડતા પાટાડુંગરીમાં પાણીનો બમણો જથ્થો હોવા છતાં આયોજનના અભાવે પુરતું પાણી મળતુ નથી. ઉપરાંત કડાણા યોજના પણ કાર્યરત છે. ત્યારે બે બે યોજના હોવા છતાં શહેરીજનોને પાણી માટે વલખાં મારવા પડતા હોવાથી સત્તાધીશોનું પાણી મપાઇ ગયુ હોય તેમ લાગી રહ્યું છે.

પીવાના પાણીની સમસ્યાથી શહેરીજનો પરેશાન

દાહોદ પાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલે ગઇકાલે એક લોગો અને તેમની તસવીર સાથે એક સૂત્ર વહેતુ મુક્યુ છે. જેમાં લોકહિતમ કરણિયમ એવુ કહેવાયુ છે. અને સંકલ્પ સે સજાયે શહર અપના જેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરાયો છે. જે શહેરના વિકાસ માટે એક ઉજ્જવળ સંકેત લાગી રહ્યો છે. પરંતુ બીજી તરફ શહેરમાં કેટલીયે સમસ્યાઓ સમાધાન માટે મોઢુ ફાડીને ઉભી છે. જેમાં મુખ્ય પીવાના પાણીની સમસ્યા છે. ત્યારે લોકહિતમાં તેનું સત્વરે નિરાકરણ થાય તે જરૂરી છે.

પાઇપ લાઇનના 7 જેટલા મોટા લીકેજ પણ સુધારાતા નથી

દાહોદ શહેરને પીવાનું પાણી પાટાડુંગરીમાં આવેલા ઠક્કરબાપા જળાશયમાંથી વર્ષોથી પુરું પાડવામાં આવે છે. હાલ આ તળાવમાં 650 એમસીએફટી પાણીનો જથ્થો છે. શહેરને રોજ પાણી આપવામાં આવે તો પણ 300 એમસીએફટી પાણી પુરતુ છે. ત્યારે તેનાથી બમણું પાણી હોવા છતાં શહેરને આંતરે દિવસે પણ પાણી મળતું નથી. પાલિકાનો પાણી પુરવઠા વિભાગ હાથીની માફક ચાલી રહ્યો હોવાનું લાગી રહ્યુ છે. કારણ કે પાટાડુંગરીમાં 200 મીટર જેટલી પાઇપલાઇન સાડા ત્રણ વર્ષથી કોઇક કારણોસર બદલવામાં આવતી નથી. પાટાડુંગરીથી દાહોદ આવતી પાઇપ લાઇનના 7 જેટલા મોટા લીકેજ પણ સુધારાતા નથી.

80 કિલોમીટર દુરથી આવતા પાણીના સમ્પમાં છાશવારે મોટરો ખોટકાઇ જાય છે

ત્યારે પાઇપ લાઇન ન બદલાવાને કારણે સિંચાઇની કેનાલમાં પાણી એકઠું થઇ રહ્યું છે. શહેરમાં પાણી સંગ્રહ કરવાની વ્યવસ્થા વર્ષોથી ઉભી કરવામાં આવી નથી અને હવે સ્માર્ટ સીટી પ્રોજેક્ટની રાહ જોવાઇ રહી છે. પાટાડુંગરીનું પાણી કુદરતી રીતે શહેર સુધી પહોંચે છે. જ્યારે કડાણા યોજનામાં નેવાના પાણી મોભે ચઢાવાના હોઇ માતબર લાઇટ બીલ આવે છે. 80 કિલોમીટર દુરથી આવતા પાણીના સમ્પમાં છાશવારે મોટરો ખોટકાઇ જાય છે.

પ્રમુખે વર્તમાન સમસ્યા મામલે કોઇ ફોડ પાડ્યો ન હતો

દાહોદ પાલિકાના પ્રમુખે જણાવ્યું હતુ કે દાહોદમાં પીવાના પાણીની સમસ્યા નિવારવા કડાણા યોજના પાણીનો સપ્લાય આવે પરંતુ ડીસ્ટ્રીબ્યુશન લાઇનનો પ્રશ્ન હતો. આવનારા 30 વર્ષના આયોજનના ભાગ રુપે ડીસ્ટ્રીબ્યુશન નેટવર્કની કામગીરી પૂર્ણ કરી કડાણા ફેઝ-1 અને 2 અંતર્ગત દાહોદને વ્યક્તિદીઠ 145 પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ત્યાર બાદ સ્માર્ટસીટી અંતર્ગત રોજ પાણી આપવાના ભાગરૂપે 15 લાખ લિટર સમ્પ મેઇન વોટર વર્કસમાં 11 લાખ લિટરની ટાંકીનું કામ ચાલુ છે. ગોધરા રોડ, કોલેજ રોડ, મંડાવ રોડની પ્રપોઝલ આપી છે. અને 2022-23 સુધીમાં દાહોદને રોજ પાણી મળે તે તરફ વહીવટીતંત્રનો પ્રયાસ ચાલુ છે. આમ પ્રમુખે વર્તમાન સમસ્યા મામલે કોઇ ફોડ ન પાડી વાતને વાળી લેવાનો પ્રયાસ કર્યો હોય તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...