• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Two day old Baby Girl Found In 40 feet deep Empty Well In Bhe Village Of Dahod, Suspected To Have Been Abandoned By An Unknown Woman To Hide Her Sin

હે રામ!:દાહોદના ભે ગામમાં 40 ફૂટ ઊંડા ખાલી કૂવામાંથી બે દિવસની બાળકી મળી આવી, અજાણી સ્ત્રીએ પાપ છુપાવવા માસૂમને તરછોડી હોવાનું અનુમાન

દાહોદ13 દિવસ પહેલા
  • બાળકીને સૂંડલા અને દોરડાની મદદથી કૂવામાંથી બહાર કાઢી
  • બાળકી હાલ ઝાયડસ હોસ્પિટલના સારવાર હેઠળ

ગરબાડા તાલુકાના ભે ગામે એક 40 ફુટ ઉંડા કૂવામાં તરછોડી દેવાયેલી બે દિવસની બાળકી મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. બાળકીને પાણી વગરના કૂવામાં દોરડુ બાંધીને ઉતારી હોવાની આશંકાઓ વ્યક્ત કરાઇ રહી છે. બાળકીના પગ ઉપર કીડીઓ કરડેલી છે. બાળકીને હાલ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવી છે. આ ઘટના સબંધે પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.બાળ કલ્યાણ સમિતિએ પણ કાર્યવાહી શરુ કરી છે.

કૂવાના માલિકે સરપંચને જાણ કરી
ગરબાડા તાલુકાના ભે ગામના ગાળા ફળિયામાં રહેતાં 60 વર્ષિય જોખલાભાઇ કસનાભાઇ હઠીલાની માલિકીના કૂવામાં તેમણે એક નવજાત બાળકી જોવા મળી હતી. ત્યારે જોખલાભાઇએ આ મામલે ગામના સરપંચને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ગરબાડા પોલીસ ભે ગામે ધસી ગઇ હતી.

બચાવકર્તાઓ દોરડુ બાંધી કૂવામાં ઉતર્યા
બાળકીને બહાર કાઢવા માટે 40 ફુટ ઊંડા કૂવામાં બચાવકર્તાઓને દોરડુ બાંધીને નીચે ઉતારવામાં આવ્યા હતાં. ત્યારે બાળકી જીવિત હોવાનું જણાતાં ખળભળાટ મચી ગયો હતો.બાળકીના પગ અને શરીરે લાલ કીડીઓ ફરતી જોવા મળી હતી. યુવાનોએ કીડીઓ દૂર કરી હતી. ત્યાર બાદ દોરડા વડે ટોપલો બાંધીને નીચે ઉતારી બાળકીને બહાર કાઢીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. બા‌ળકીના પગ ઉપર કીડીઓએ ચટકા દીધેલા સંખ્યાબંધ નિશાન જોવા મળ્યા હતાં.

કુંવારી માતાએ બાળકીને તરછોડી દીધી?
જોખલાભાઇની ફરિયાદના આધારે બાળકીને મરવા માટે કૂવામાં છોડી દેનારી મહિલા સામે ગરબાડા પોલીસે બાળકીને ત્યજનારી અજાણી મહિલા સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. કોઇ છોકરી કૂંવારી માતા બની હોવાથી આ બાળકીને મરવા માટે જીવતી ત્યજી દીધી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે આ મામલે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

મીટીંગ છોડી બાળ કલ્યાણ સમિતિના સભ્યો દોડી ગયા
બાળ કલ્યાણ સમિતિ દાહોદની મીટીંગ ચાલી રહી હતી. ત્યારે ગરબાડા પોલીસ સ્ટેશનથી ચિલ્ડ્રન હોમ દાહોદના અધિક્ષક રાકેશભાઈ પ્રજાપતિ ઉપર બાળકી અંગેનો ફોન આવ્યો હતો. ચેરમેન નરેન્દ્ર સોની દ્વારા ત્વરિત નિર્ણય લઇ બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ કે.તાવીયાડ , લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ. જી. કુરેશી ,સુરક્ષા અધિકારીરેખાબેન ડી. વણકર તેમજ સમિતિના બે સભ્યો લાલાભાઇ સુવર અને લાલાભાઇ મકવાણાની ટીમને સાથે રાખી ત્યજી દીધેલ બાળકીની ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતેના એનઆઈસીયુની મુલાકાત લીધી હતી. ડોક્ટરો સાથે ચર્ચા કરી બાળકીના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી તેમજ બાળકીને દાહોદ ખાતે યોગ્ય સારવાર આપી જો કોઇ વાલી વારસ નહીં મળે તો સરકારના માર્ગદર્શન મુજબ દત્તક વિધાનની જોગવાઈઓ અનુરૂપ બાળકીને યોગ્ય કુટુંબમાં દત્તકમાં આપવા માટે ભલામણ કરી આપવા ચેરમેન નરેન્દ્ર સોનીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...