તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાઉન્ડ રિપોર્ટ:દાહોદના ધાનપુરમાં નિર્વસ્ર કરાયેલી પીડિતાની માતાએ આક્રોશ સાથે કહ્યું, ‘મારી દીકરીને ત્રણ કલાક ફેરવી, ચીંથરાં ખેંચી નાખ્યાં, તેનું છૂટું કરાવો’

દાહોદ2 મહિનો પહેલાલેખક: ઇરફાન મલેક
  • કૉપી લિંક
આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. - Divya Bhaskar
આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયા હતા.
  • પીડિતાની માતાએ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી
  • ખજૂરીની નારી ગૌરવ હનનની ઘટનામાં 19 પૈકી 14 પકડાયા, 3 સગીર, 11ને 16મી સુધીના રિમાન્ડ
  • પોલીસની સુરક્ષામાં પીડિતાના આધાર-ચૂંટણી કાર્ડની અરજી કરાઈ
  • લોકોએ ઘર છોડી દેતાં ખજૂરી ગામના વન ફળિયામાં સન્નાટો
  • વીડિયો કોણે ઉતાર્યાે એ બાબતની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે

ધાનપુર તાલુકાના ખજૂરી ગામમાં પ્રેમી પાસે જતી રહેલી પત્નીને તાલિબાની સજાના ભાગ રૂપે પતિએ તેને ખભે બેસીને ગામમાં તેનો વરઘોડો કાઢી તેને નિર્વસ્ત્ર કરવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. ત્યારે બુધવારે ભાસ્કરે ઘટના બની હતી એ ખજૂરી ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો.

મહિલાને તેના પતિ અને દિયરે જાહેરમાં નિર્વસ્ત્ર કરી હતી.
મહિલાને તેના પતિ અને દિયરે જાહેરમાં નિર્વસ્ત્ર કરી હતી.

આરોપીઓને કડક સજા કરાવો
આ મામલે પીડિતાની માતાએ પ્રતિનિધિ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘મારી દીકરીને ત્રણ કલાક ફેરવી, ચીંથરા ખેંચી નાખ્યાં, તેનું છૂટું કરાવો, આરોપીઓને કડક સજા કરાવો’. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે જે યુવતી સાથે આ અમાનવીય ઘટના બની છે તેની પાસે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ પણ નથી. આ માટે એક્શનમાં આવેલી પોલીસે તાત્કાલિક અસરથી આ બંને પુરાવા બનાવડાવવાની કાર્યવાહી હાથ ધરી છે.

દીકરી-પૌત્રીને પાળી લઈશું, આ લોકોને કડક સજા કરોઃ પીડિતાની માતા
‘‘મારે ચાર બાળકો છે, બધાનાં લગન કરી દીધાં છે. કોઇને તકલીફ નથી. મારી આ બીજા નંબરનીને જમાઇ ત્રાસ આપતો હતો, એટલે અમે મજૂરીકામે તેને અમારી સાથે જ રાખતાં હતાં. મારી છોકરીને ત્રણ કલાક ફેરવી હતી. તેનાં ચીંથરાં ખેંચી નાખ્યાં, તેમને કડકમાં કડક સજા થવી જોઇએ. પોલીસે અમને ઘણો સાથ આપ્યો, મારી દીકરીનું છૂટું કરાવી આપો.’’ આ શબ્દો છે 6 જુલાઇના રોજ પતિને ખભે બેસાડીને વરઘોડો કાઢવા સાથે નિર્વસ્ત્ર કરાઇ હતી તે યુવતીની માતાના છે.

પુત્રી સાથે બનેલી ઘટના અંગે તેણે વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે મારી છોકરી જતી રહેતાં તેને ઘરે મોકલવા અમે અમારા શેઠની ગાડી ભાડે કરાવી આપી હતી. મારા છોકરા અને જમાઇને પણ સાથે મોકલ્યો હતો. ખજૂરીવાળા બળજબરીથી તેમના ગામે લઇ ગયા હતા. અમે આ માટે પોલીસમાં જાણ કરવાના હતા, પણ અમારા પરિવારમાં મરણ થઇ જતાં રોકાયા હતા. એ પહેલાં મોબાઇલમાં વીડિયો આવી ગયો હતાો. મારી છોકરીને હવે તેના પતિ પાસે નથી રાખવી, તેને અને તેની છોકરીને અમે પાળી લઇશું. આ લોકોને કડકમાં કડક સજા થવી જોઇઓ. મારી છોકરી સાથે જે થયું એવું બીજી કોઇ છોકરી સાથે ના થવું જોઇયે. (યુવતી માતા સાથેની વાતચીતના આધારે)

યુવતીનાં માતા-પિતા યુવતી સાથે ખડેપગે રહે છે
ખજૂરી ગામમાં કોઇપણ ફોર-વ્હીલ પ્રવેશે તો કેટલાક ધારી-ધારીને જોતા તો કેટલાક રસ્તો જ બદલી નાખતા હતા. ઘટનાની પૂછપરછ કરતાં અમને કંઇ ખબર નથી એવો જ જવાબ દરેક આપી રહ્યા હતા. ઘટના બની હતી એ વન ફળિયું વેરાન થયું છે. કોઇ ઘરને તાળા તો કોઇ ઘરને સાંકળ મારેલી જોવા મળી. રસ્તા પર બાળકો-યુવતીઓ હતાં. તેમણે જણાવ્યું કે ‘પોલીસ બધાને લઇ ગઇ છે. બનાવનું જાણવા મળતાં અમે ખબર જોવા આવ્યા છીએ. જે મહિલાઓએ યુવતીને વધુ લજ્જિત થતાં બચાવી તે પણ ઘરે જોવા મળી ન હતી. સાંકડા રસ્તા પર યુવતીને ફેરવવા સાથે તેને નિર્વસ્ત્ર કરવામાં આવી હતી. કાર્યવાહીના ભાગ રૂપે પીડિતાને ધાનપુર પોલીસ મથકે લઇ જવાઇ હતી. યુવતીનાં માતા-પિતા તેની સાથે ખડેપગે રહ્યાં હતાં.

3 તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી
પરિણીતા સાથે નારી ગૌરવહનનના બનેલા બનાવમાં દાહોદ જિલ્લા પોલીસે કરેલી પ્રોએક્ટિવ કામગીરીને પગલે બુધવાર સુધીમાં 19 પૈકી 14ને પકડી પાડવામાં આવ્યા છે. તેમાં 3 સગીર વયના છે. 1114 પૈકીના 11 લોકોને 16મી તારીખ સુધી રિમાન્ડ પર રાખવાનો કોર્ટે હુકમ આપ્યો છે, સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા બનાવો બનતા રોકવા માટે હ્યુમન બિહેવિયરલ ચેન્જના લાંબા ગાળાનાં પગલાં પણ જાહેર કરવામાં આવ્યાં છે. ખજૂરી ગામના ઘૃણાસ્પદ કિસ્સામાં પોલીસે ત્રણ સગીર સહિત 14 લોકોની ધરપકડ કરી હતી. તેમને બુધવારે કોર્ટેમાં રજૂ કરીને આ ઘટનામાં મોબાઇલ જપ્ત કરવા સાથે પીડિતાનાં કપડા કબજે કરવા, બીજા કેટલા લોકો સામેલ હતા અને કોણે આ વીડિયો ઉતાર્યા છે એ સહિતની તપાસ, પૂછપરછ બાકી હોવાના મુદ્દા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતાં. કોર્ટે 11 આરોપીને 16મી તારીખની સાંજ સુધી રિમાન્ડ પર રાખવાની પરવાનગી આપી હતી.

મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું
​​​​​​​દાહોદ કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તથા જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે જણાવ્યું હતું કે પીડિત પરિણીતાનું પોલીસે પ્રથમ કાઉન્સેલિંગ કર્યું હતું અને બાદમાં ફરિયાદને આધારે પોલીસે જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનના જવાનોની મદદ લઇ કોમ્બિંગ કરી આરોપીઓને ઝબ્બે કર્યા હતા. પીડિતાને પણ હાલમાં રક્ષણ આપવામાં આવ્યું છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચઢાવનારા અકાઉન્ટ સામે પણ રિપોર્ટ કરવાની કાર્યવાહી પોલીસતંત્રે કરી છે. ઘટના બાદ મહિલા અને બાળ સુરક્ષાની કચેરીની ટીમ દ્વારા પીડિતાની મુલાકાત લઇને કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને નારી સંરક્ષણગૃહમાં સમાવવાની વાત મુકાઇ છે. જોકે પીડિતાએ પરિવાર સાથે રહેવાની ઇચ્છા દર્શાવી છે. એ બાબતને ધ્યાને રાખી પોલીસે હાલમાં તેને રક્ષણ પૂરું પાડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...