અકસ્માત:દાહોદ નજીક બામનિયામાં ટ્રકે બાઇક સવારોને અડફેટે લીધા બાદ ફાટક તોડ્યું,3 જણનાં મોત

દાહોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી-મુંબઇ ટ્રેક પર અકસ્માતથી રેલવે વ્યવહાર 4 કલાક ખોરવાયો
  • ઉશ્કેરાયેલા​​​​​​​ લોકોના ટ્રેક પર 3 કલાક ધરણાં, ક્રેઇન વડે ટ્રકને દૂર કરાઈ

દાહોદ પાસે મધ્યપ્રદેશના બામનિયામાં દિલ્હી-મુંબઇ રેલવે ટ્રેક પર ગુરુવારે સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં 3નાં મોત થયાં હતાં.દિલ્હી-મુંબઇ રેલવે ટ્રેક પર દાહોદ પાસે એમપીના બામનિયામાં અકસ્માતમાં 3નાં મોત થયાં હતાં. ફાટક બંધ હોવાથી બાઇક સવાર ખૂલવાની રાહ જોતા હતા. દરમિયાન રતલામ તરફથી આવેલી ટાઇલ્સ ભરેલી ટ્રક બાઇક સવારોને અડફેટમાં લઇ ફાટક તોડી ટ્રેક પર પહોંચી હતી. જેમાં કરવડ ગામની મનોરમા સુભાષચંદ્ર ભંડારી અને રામપુરિયાના કાળુ ડોડિયારનું મોત થયું હતું.

ઘાયલ સુભાષચંદ્ર ભંડારીને વડોદરા લઇ જતી વખતે રસ્તામાં મોત થયું હતું.પોલીસે ચાલકની ધરપકડ કરી હતી. ટ્રક તેજ ગતિમાં હોવાથી ચાલકે કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, તેમ ડીવાયએસપી સોનુ ડાવરે જણાવ્યું હતું. ઘટનાને પગલે રેલવે વ્યવહાર 4 કલાક ખોરવાયો હતો. લોકોએ 3 કલાક ટ્રેક પર ધરણાં કર્યાં હતાં. રતલામ રેલવે મંડળના ડીઆરએમ રજનીશકુમાર, કલેક્ટર રજનીશસિંહ, એસપી અગમ જૈન સહિતના અધિકારી દોડી ગયા હતા અને લોકોને દૂર કરાયા હતા. ક્રેઇનની મદદથી ટ્રકને દૂર કરી રેલવે ટ્રાફિક શરૂ કરાવાયો હતો.

વડોદરા આવતી 9 ટ્રેન લેટ,10 હજાર યાત્રી અટવાયા
રતલામાં રેલવે ડિવિઝનમાં ફાટક પાસે અકસ્માત થતાં અનેક ટ્રેનો મોડી પડી હતી, જે પૈકી વડોદરા આવતી 9 ટ્રેનો મોડી પડી હતી, જેના પગલે 10 હજાર રેલ મુસાફરો અટવાઈ પડયા હતા. રેલવે સૂત્રોના જણાવ્યા મુજબ બાન્દ્રા-દહેરાદૂન, અમદાવાદ-ગોરખપુર, વડોદરા-કોટા, વેરાવળ-ઇન્દોર, પટણા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન, રતલામ-દાહોદ મેમુ, કાનપુર-બાન્દ્રા અને વારાણસી-ગાંધીનગર કેપીટલ ટ્રેનો મોડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...